ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022
બુધવાર.
સોમવારે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણ દરમિયાન મહારાષ્ટ્રે પૂરા દેશમાં કોરોના ફેલાવ્યો હોવાનું કહ્યું હતું. વડા પ્રધાને મહારાષ્ટ્રનું અને તેની 12 કરોડ જનતાનું અપમાન કર્યું હોવાનું કહીને રાજ્યના તમામ રાજકીય પક્ષોએ મોદીની આકરી ટીકા કરી છે. કોંગ્રેસે આજે રાજ્યભરમાં ભાજપની ઓફિસ બહાર માફીની માગણી સાથે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.
મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રના 12 કરોડ નાગરિકો પર ખોટા આરોપો લગાવીને મોદીએ છત્રપતિ શિવાજી મહારાજા મહારાષ્ટ્રનું અપમાન કર્યું છે. બુધવારે કોંગ્રેસ પાર્ટી ભાજપ કાર્યાલય સામે રાજ્યભરમાં મોદીની માફીની માગણી સાથે પ્રદર્શન કરશે.
પટોલેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રના ભાજપના નેતાઓને મહારાષ્ટ્ર માટે થોડી પણ આસ્થા હોય તેમણે મોદીના નિવેદનનો વિરોધ કરવો જોઈએ અન્યથા તેઓ મહારાષ્ટ્રના ઈતિહાસમાં ગદ્દાર તરીકે નોંધાશે.
હેં! મહારાષ્ટ્રમાં હવે રજાના દિવસે પણ સ્કૂલો ચાલુ રહેશે, આ છે કારણ… જાણો વિગત
મંગળવારની પત્રકાર પરિષદમાં નાના પટોલેએ કહ્યું હતું કે જયારથી મહારાષ્ટ્રની જનતાએ ભાજપને સત્તા પરથી હટાવ્યા છે, ત્યારથી દરરોજ મહારાષ્ટ્રને બદનામ કરવા માટે નવા નવા ષડયંત્રો રચવામાં આવી રહ્યા છે. વડા પ્રધાને તો મહારાષ્ટ્ર પ્રત્યે પોતાની દ્વેષની તમામ સીમા ઓળંગી નાખી છે. તેઓ દેશના વડાપ્રધાન ચે તે ભુલવું ના જોઈએ. તેમણે વડાપ્રધાન પદની ગરીમા ગુમાવી દીધી છે. ફકત ભાજપના પ્રચારક બની રહ્યા છે.
મહામારીના સંકટમાં મહારાષ્ટ્ર સરકારે દરેકને મદદ કરી હતી. ભૂળથી ટળવળતા પરપ્રાંતીયોને જમવાની વ્યવસ્થા કરી હતી. તેમને સુરક્ષિત રીતે તેમના ઘરે પાછા મોકલ્યા હતા. મજૂરો તકલીફમાં હતા ત્યારે તેમને મદદ કરવાને બદલે મોદી થાળી વગાડી રહ્યા હતા તેમને નાગરિકો કરતા ઉદ્યોગપતિની વધુ કાળજી છે.
કોરોના મહામારીના સંકટ દરમિયાન નમસ્તે ટ્રમ્પ જેના કાર્યક્રમ કરીને દેશમાં કોરોના ફેલાવનારા મોદી ખરા અર્થમાં કોરોના સ્પ્રેડર હતા. મોદી જેના પર આરોપ કરે છે તે પરપ્રાંતીય મંજૂરો કોરોના વોરિયર હતા એવું પણ નાના પટોલેએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું.