News Continuous Bureau | Mumbai
Devendra Fadnavis Conspiracy મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. વર્ષ 2016માં થાણે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક જૂના કેસના આધારે તત્કાલીન વિપક્ષી નેતા અને હાલના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમજ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને ખોટા કેસમાં ફસાવવાના ષડયંત્રનો ખુલાસો થયો છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના અહેવાલમાં પૂર્વ DGP સંજય પાંડે સહિત ત્રણ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સામે ગુનાહિત કેસ દાખલ કરવાની ભલામણ કરવામાં આવી છે.
રશ્મિ શુક્લાના અહેવાલે મચાવ્યો ખળભળાટ
આ ચકચારી અહેવાલ રાજ્યના પૂર્વ પોલીસ મહાનિર્દેશક (DGP) રશ્મિ શુક્લાએ તેમની નિવૃત્તિના માત્ર પાંચ દિવસ પહેલા અતિરિક્ત મુખ્ય સચિવ (ગૃહ) ને સોંપ્યો હતો. SIT ના રિપોર્ટ અનુસાર, મહાવિકાસ આઘાડી સરકારના કાર્યકાળ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસને કાયદાકીય ગુંચવણમાં ફસાવવાના પ્રયત્નો તેજ કરવામાં આવ્યા હતા. સંજય પાંડે જ્યારે મુંબઈ પોલીસ કમિશનર અને બાદમાં DGP બન્યા ત્યારે આ પ્રક્રિયાને વધુ વેગ મળ્યો હતો. 2017માં જે કેસમાં ચાર્જશીટ દાખલ થઈ ગઈ હતી, તેની ફરીથી તપાસ કરાવવાના આદેશને SIT એ શંકાસ્પદ ગણાવ્યો છે.
અધિકારીઓ પર દબાણ અને પુરાવા મીટાવવાનો પ્રયાસ
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સાયબર પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા કેસોમાં ફડણવીસનું નામ આરોપી તરીકે જોડવા માટે સંબંધિત અધિકારીઓ પર ભારે દબાણ લાવવામાં આવ્યું હતું. તત્કાલીન ડેપ્યુટી કમિશનર (DCP) લક્ષ્મીકાંત પાટીલ અને આસિસ્ટન્ટ કમિશનર (ACP) સરદાર પાટીલે સાક્ષીઓને નિવેદન બદલવા અને નેતાઓના નામ ઉમેરવા માટે ધમકાવ્યા હોવાના પુરાવા મળ્યા છે. એટલું જ નહીં, મે 2021 દરમિયાન સરકારી ગાડીની લોગબુકના પાના પણ ગાયબ મળી આવ્યા છે, જેને પુરાવા નાશ કરવાનો પ્રયાસ ગણવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Share Market: રોકાણકારો અને ગ્રાહકો ખાસ નોંધજો! 15 જાન્યુઆરીએ મુંબઈમાં મતદાનને કારણે શેરબજાર અને બેંકો ચાલુ રહેશે કે બંધ? જાણો લેટેસ્ટ અપડેટ
ઓડિયો-વીડિયો પુરાવા અને ખંડણીના આરોપ
રિપોર્ટ મુજબ બિલ્ડર સંજય પુનમિયાએ આરોપ લગાવ્યો હતો કે જૂના કેસની તપાસના નામે તેમનું શોષણ કરવામાં આવ્યું હતું અને તેમની પાસેથી ખંડણી માંગવામાં આવી હતી. SIT એ કલીના ફોરેન્સિક લેબમાં ઓડિયો-વીડિયો રેકોર્ડિંગની તપાસ કરાવી હતી, જેમાં પૂર્વ નગર રચનાકાર દિલીપ ઘેવારે અને સરદાર પાટીલ વચ્ચેની વાતચીતની પુષ્ટિ થઈ છે. વાતચીતમાં સંજય પાંડેએ પૂછ્યું હોવાનું પણ બહાર આવ્યું છે કે, “ફડણવીસ અને શિંદેની અત્યાર સુધી ધરપકડ કેમ કરવામાં આવી નથી?” આ ગંભીર ખુલાસા બાદ રાજ્ય સરકાર આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરે તેવી શક્યતા છે.
