ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
06 ઓક્ટોબર 2020
હિમાચલ પ્રદેશ સરકારની ચૂકથી વડાપ્રધાન મોદી, રક્ષામંત્રી રાજનાથસિંહ તેમજ કેન્દ્રીય નાણા રાજયમંત્રી અનુરાગ ઠાકુર પર પણ કોરોના સંક્ર્મણનું સંકટ પેદા થયું છે. કારણ કે ગત 3 ઓકટોબરે અટલ ટનલ રોહતાંગના ઉદ્ઘાટન માટે આવેલા પીએમ મોદીના સંપર્કમાં રહેલા મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને વન મંત્રી રાકેશ પઠાનિયા, કોરોના પોઝીટીવ જાહેર થયેલ કુલ્લુના બજારના ધારાસભ્ય સુરેન્દ્ર શોરીના સંપર્ક માં આવ્યા હતા. જોકે સ્વાસ્થ્ય વિભાગને શોરીને કોરોના પોઝીટીવ હોવાનો રિપોર્ટ ટનલ ઉદ્ઘાટન કાર્યક્રમના એક દિવસ પહેલા જ મળી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે ઉદ્ઘાટન સમારોહમાં મોદીની સાથે મંચ પર હાજર રહેનાર મુખ્યમંત્રી જયરામ ઠાકુરે ખુદને આઈસોલેટ કરી દીધા છે. આ સિવાય અટલ ટનલના ઉદ્ઘાટન સમારોહમાં પીએમ મોદી સાથે નજીકથી વાત કરનાર વન મંત્રી રાકેશ પઠાનિયા પણ સંક્રમીત ધારાસભ્યના સંપર્કમાં આવ્યા હતા, તે પણ આઈસોલેટ થઈ ગયા છે. જો કે આ દરમિયાન પીએમઓનાં સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે, પીએમ મોદીને ક્વોરેન્ટાઈન થવાની જરૂર નથી. વડાપ્રધાન મોદીને કોઈ તકલીફ નથી કે કોઈ લક્ષણ નથી. મોદીએ ગત રવિવારે બિહાર ભાજપના ઉમેદવારોનાં નામ નક્કી કરવા માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ભાગ લીઘો હતો. ત્યારે પણ મોદી બિલકુલ સ્વસ્થ હતા.