ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 17 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર,
એન્ફોર્સેન્ટ ડાયરેક્ટોરેટ (ED)ના દરોડા પછી હચમચી ગયેલી ડી કંપનીને EDએ વધુ એક ઝટકો આપ્યો છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની દિવંગત બહેન હસીના પારકરના બંધ ઘર પર દરોડા બાદ EDએ તલોજા જેલમાં બંધ દાઉદના ભાઈ ઈકબાલ કાસકરની કસ્ટડી માટે વિશેષ કોર્ટમાં અરજી કરી છે.
ઈકબાલ કાસકર પર ED દ્વારા મની લોન્ડરિંગનો આરોપ મૂકવામાં આવ્યો છે અને તેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.
ઈડીએ દાખલ કરેલા મની લોન્ડરિંગના કેસ સંબંધે કોર્ટે દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકર સામે પ્રોડકશન વોરંટ જારી કર્યો છે. ઈડી આરોપીને ૧૮ ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર કરવાની તમામ વ્યવસ્થા કરશે એમ વિશેષ જજ એમ જી. દેશપાંડેએ વોરંટ જારી કરતી વખતે જણાવ્યું હતું.
ઈકબાલ કાસકરની 2017માં થાણે પોલીસની ખંડણી વિરોધી ટુકડીના તત્કાલિન વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર પ્રદિપ શર્મા દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તે બાદ તેને તળોજા જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. ઈકબાલ 2017થી તળોજા જેલમાં છે અને ઈકબાલની ધરપકડ કરનાર પોલીસ અધિકારી પ્રદીપ શર્મા પણ મનસુખ હિરેન હત્યા કેસમાં તળોજા જેલમાં છે.
EDએ ડી કંપની સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યા બાદ સોમવારે નાગપાડામાં દાઉદની સ્વર્ગસ્થ બહેન હસીના પારકરના ઘર સહિત 10 સ્થળોએ દરોડા પાડ્યા હતા. દરમિયાન, EDએ છોટા શકીલના સાળા સલીમ કુરેશીની પૂછપરછ માટે ધરપકડ કરી હતી અને મોડી રાત્રે તેને છોડી દીધો હતો. EDની કાર્યવાહીથી દાઉદની કંપની હચમચી ગઈ છે, ત્યારે EDએ મની લોન્ડરિંગ માટે દાઉદના ભાઈ ઈકબાલ કાસકરનો કબજો મેળવવા માટે સ્પેશિયલ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજી પર ટૂંક સમયમાં કોર્ટમાં સુનાવણી થશે અને ઈકબાલ કાસકરને ઈડીને સોંપવામાં આવે તેવી શક્યતા છે.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલ સહિત સાત કુખ્યાત ડી-કંપનીના ગુંડાઓ સામે પણ કેસ નોંધ્યો છે. આ તમામ ભારતમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હોવાની આશંકા છે.
તપાસકર્તાઓને તેના પર પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો જેમ કે જૈશ-એ-મોહમ્મદ, જમાત-ઉદ-દાવા અને અલ-કાયદા સાથે સંબંધ હોવાની પણ શંકા છે. ઇકબાલ કાસકરની પૂછપરછમાંથી મળેલી માહિતીના આધારે ઇડી આગળની કાર્યવાહી કરશે. આનાથી રાજકીય નેતાઓ પણ ખુલ્લા પડે તેવી શક્યતા છે.
દાઉદના ખાસ સાથી છોટા શકીલના સાળા સલીમ કુરેશીની મંગળવારે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેની પણ તપાસ ચાલી રહી હોવાનું કહેવાય છે. તપાસકર્તાઓને શંકા છે કે સલીમ કુરેશી બનાવટી દસ્તાવેજોના આધારે ઘણી વખત પાકિસ્તાન ગયો હતો અને તેની પૂછપરછમાં મહત્વની માહિતી મળે તેવી શક્યતા છે.