ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 નવેમ્બર 2021
સોમવાર
મહારાષ્ટ્ર સરકારે 1 ડિસેમ્બરથી રાજ્યમાં શાળાઓ ખોલવાની તૈયારી કરી લીધી છે. રાજ્ય સરકારે શાળાઓ માટે માર્ગદર્શિકા પણ બહાર પાડી દીધી છે. ધોરણ 1 થી 7 સુધીની તમામ શાળાઓ ખૂલશે. રાજ્યની તમામ શાળાઓએ સરકાર દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે, અન્યથા તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન મુજબ બે વિદ્યાર્થીઓ વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું ફરજિયાત કરવામાં આવ્યું છે. સાથે જ શાળામાં તમામ વિદ્યાર્થીઓ માટે માસ્ક પહેરવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. બાળકોને વારંવાર હાથ ધોવા અને શાળાને સ્વચ્છ રાખવામાં મદદ કરવા પણ અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત જે કર્મચારીઓને રસી આપવામાં આવી નથી. તેમનું રસીકરણ શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ થવું જોઈએ.
સરકાર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે શાળાઓમાં બાયોમેટ્રિક હાજરી સિસ્ટમનો ઉપયોગ ન કરવો જોઈએ. શાળાની એવી પ્રવૃત્તિઓ જેમાં ભીડ થવાની શક્યતા હોય જેમ કે રમતો અથવા સમૂહ પ્રાર્થના વગેરેને પણ ટાળવું જોઈએ. કોરોના જેવા લક્ષણો ધરાવતા લોકોને શાળાના પરિસરમાં અથવા વર્ગખંડમાં પ્રવેશવાની મંજૂરી ન આપવી. જો બાળકો અથવા શિક્ષકો બીમાર હોય તો તેઓએ શાળામાં ન આવવું. આવા દરેક વિદ્યાર્થીને ઓનલાઈન શિક્ષણ મળી રહે તેની પણ ખાતરી કરવી.
સરકાર દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો એક જ શાળામાં એક જ વર્ગના પાંચથી વધુ બાળકો બે અઠવાડિયાના સમયગાળામાં કોરોના પોઝિટિવ જોવા મળે તો શાળામાં કોરોનાથી બચવા માટેના નિયત પગલાં લેવામાં આવે. આ સાથે શાળાઓમાં સમયાંતરે સફાઈ પણ થવી જોઈએ.