ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 22 ફેબ્રુઆરી 2022,
મંગળવાર,
મહારાષ્ટ્ર રાજ્ય ફરી એકવાર અનલોક તરફ આગળ વધી રહ્યું છે. મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસ ઘટી રહ્યા છે. તેથી રાજ્ય સરકાર આગામી બે દિવસમાં નિયંત્રણો હળવા કરે એવી પ્રબળ શકયતા જણાઈ રહી છે.
હાલની પરિસ્થિતિ ની સમીક્ષા કરવા માટે રાજ્યના મુખ્ય સચિવ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ વચ્ચે બેઠક યોજવામાં આવી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ટૂંક સમયમાં આ અંગે અંતિમ નિર્ણય લેશે એવું સૂત્રોનું કહેવું છે. તો મુંબઈ મહાનગરપાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીના જણાવ્યા મુજબ મુંબઈમાં કોરોનાના નવા દર્દીની સંખ્યા 100ની નીચે આવી છે. છેલ્લા બે વર્ષ બાદ કોરોનાનો આંકડો 96 જેટલો નીચે નોંધાયો હતો. તેથી બહુ જલદી રાહત આપવા બાબતે વિચાર કરાશે. રાજ્ય સરકાર બહુ જલદી તેની જાહેરાત કરશે.
હાલ સિનેમાઘરો, મોલ અને અન્ય સ્થળોએ પ્રવેશ માટે રસીના બંને ડોઝ ફરજિયાત બનાવવામાં આવ્યા છે, તેમાં રાહત મળવાની પ્રબળ શક્યતા છે. ટ્રેન અથવા બસમાં મુસાફરી કરતી વખતે રસીના બે ડોઝ ફરજિયાત છે. આમાં પણ છૂટછાટની પ્રબળ શક્યતા છે. રાજ્યમાં બ્યુટી સલૂન અને હેરડ્રેસરને સંપૂર્ણ ક્ષમતાથી ચલાવવાની મંજૂરી આપવાની શક્યતા છે. મનોરંજન અને ઉદ્યાનો, સ્વિમિંગ પુલ, વોટરપાર્કને સંપૂર્ણ ક્ષમતા સાથે ચાલુ રાખવાની મંજૂરી આપવાની શક્યતા જણાય છે. કારણ કે આ ઈન્ડસ્ટ્રીથી સરકારને પણ કરોડો રૂપિયાની કમાણી થતી હોય છે. હાલમાં, થિયેટરો 50 ટકા ક્ષમતા પર કાર્યરત છે, સંપૂર્ણ ક્ષમતાથી શરૂ થવાની સંભાવના છે. એ સાથે જ હોટેલ્સ, રેસ્ટોરાં, ખાણીપીણીને પણ સંપૂર્ણ ક્ષમતા અને નિયમિત ધોરણે ચલાવવાની મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા છે.
અહીં ઉલ્લેખનીય છે કે જેના બંને ડોઝ પૂરા થયા છે, તેને જ લોકલ ટ્રેનમાં પ્રવાસની છૂટને લઈને મુંબઈ હાઈકોર્ટે સોમવારે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. જે બાદ રાજ્ય સરકાર આ અંગે તાત્કાલિક નિર્ણય લે તેવી શક્યતા છે.