ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
સ્માર્ટફોન, ટેબ અને ઇલેક્ટ્રૉનિક સાધનોનો ઉપયોગ જેટલો વધ્યો એટલા પ્રમાણમાં રાજ્યમાં સાયબર ક્રાઇમના કેસ પણ વધી રહ્યા છે. એમાં વળી કોરોનાકાળમાં અનેક લોકોની નોકરીઓ જતી રહી હોવાથી સાયબર ગુનાનું પ્રમાણ વધી ગયું છે. ગુનેગારોએ ઑનલાઇન છેતરપિંડીના નવા-નવા રસ્તાઓ શોધી કાઢ્યા છે. ગત દોઢ વર્ષમાં થયેલા આ સાયબર ગુનાઓમાંથી હજી સુધી એક પણ આરોપીને સજા થઈ નથી.
વર્ષ 2020માં 5,458 અને આ વર્ષે ઑગસ્ટ મહિના સુધીમાં 1,631 સાયબર ગુના નોંધાયા છે. એમાંથી એક પણ કેસ હજુ ઉકેલાયો નથી. ગત સાત વર્ષમાં 25 હજારથી વધારે સાયબર ગુનાની નોંધ થઈ છે અને ફક્ત 99 આરોપીઓને સજા થઈ છે. સાયબર ક્રાઇમની ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી એ વિશે નાગરિકોને વધુ માહિતી ન હોવાથી આરોપીઓ બેફામ થઈ ગયા છે. ઘણા કેસમાં કોઈના બૅન્ક ખાતામાંથી નાની રકમ જતી રહે તો એના માટે ફરિયાદ નોંધાવવાનું લોકો ટાળે છે.
તાલિબાન સરકાર માટે તેના જ ઉપદ્રવી લડાકુઓ બન્યા માથાનો દુખાવો, પણ કઈ રીતે? જાણો અહીં
આરોપીઓને સજા ન થવાનું એક કારણ એ છે કે મહારાષ્ટ્ર અને મુંબઈ પોલીસ પાસે સ્વતંત્ર સિસ્ટમ નથી. સામાન્ય પોલીસોની જ સાયબર વિભાગમાં ભરતી કરવામાં આવે છે. એ સિવાય સાયબર પોલીસને વધુ તાલીમ અપાતી નથી. એથી રાજ્યમાં ટેક્નિકલ દૃષ્ટિએ સક્ષમ પોલીસ કર્મચારીઓની ટીમ તૈયાર કરવી જરૂરી છે એવું સાયબર કાયદા તજ્જ્ઞ ઍડ્વોકેટ ડૉ. પ્રશાંત માળીએ જણાવ્યું હતું.