News Continuous Bureau | Mumbai
- હાલમાં રજૂ થયેલા રાજ્યના બજેટમાં મત્સ્યોદ્યોગ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી નાના માછીમારોની આર્થિક, સામાજિક ઉન્નતિ થશે: વન મંત્રી મુકેશભાઈ પટેલ
- તા.૨૧ થી ૨૩ ફેબ્રુઆરી સુધી ચાલશે દાંડી સી-ફૂડ ફેસ્ટિવલ
Dandi Sea-Food Festival 2025: વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ઓલપાડ તાલુકાના દાંડી બીચ ખાતે ત્રિ-દિવસીય ‘દાંડી સી-ફૂડ ફેસ્ટિવલ-૨૦૨૫’ પ્રારંભ કરાવ્યો હતો. ફેસ્ટિવલ ૨૧ થી ૨૩ ફેબ્રુઆરી સુધી ચાલનાર આ ફેસ્ટિવમાં સી-ફૂડ (સમુદ્રી વાનગીઓ)ના કુલ ૪૫ સ્ટોલ ઉભા કરાયા છે.
આ પ્રસંગે વન મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે દરિયા કિનારાઓ પર વિવિધ પ્રકારના ફેસ્ટિવલ યોજાતા હોય છે, પરંતુ સી-ફુડ ફેસ્ટિવલનું આયોજન કરવું એ એક મહત્વપૂર્ણ પગલું છે. ગુજરાતમાં પ્રથમ વખત દાંડીગામના બીચ પર આ પરંપરા શરૂ થઈ રહી છે.
વધુમાં તેમણે કહ્યું કે, દરિયાકાંઠા પર વસવાટ કરતા લોકોના જીવન અને રોજગાર માટે દરિયો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ક્લાઈમેટ ચેન્જને કારણે જે લોકો દરિયો ખેડવા (ફિશિંગ) માટે જઈ શકતા નથી, એમના માટે ગુજરાત સરકાર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝીંગાની ખેતી (એક્વાકલ્ચર) શરૂ કરવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી તેઓ પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી શકે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મત્સ્યોદ્યોગ માટે એક સ્વતંત્ર મંત્રાલયની સ્થાપના કરી છે એનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, આ વિભાગ માછીમારોના હિતમાં કાર્યરત છે. આ વર્ષે રજૂ થયેલા બજેટમાં પણ મત્સ્યોદ્યોગ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી નાના માછીમારોની આર્થિક, સામાજિક ઉન્નતિ થશે.
આ સમાચાર પણ વાંચો: Trump Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ફરી મિત્ર દેશ ભારતને આપી ધમકી, કહ્યું- જેટલો ટેરિફ અમારા પર છે એટલો જ…
Dandi Sea-Food Festival 2025: મંત્રીશ્રીએ કહ્યું કે, દાંડી ગામનો બીચ ટૂંક સમયમાં સંપૂર્ણ રીતે વિકસિત થઈ પ્રવાસન માટે એક મહત્વપૂર્ણ સ્થળ બનશે, જેનાથી ગામના લોકો માટે રોજગારની નવી તકો સર્જાશે. સાગરખેડૂઓને સ્વરોજગારીની તકો વધારવા માટે પણ સરકાર પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે સુરત મત્સ્યોદ્યોગ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર શ્રી કિરીટ આર. પટ્ટણી, સિબા નિયામક શ્રી કુલદીપભાઈ લાલ, મત્સ્યોદ્યોગ નાયબ નિયામક શ્રીમતી બિંદુબેન પટેલ, અગ્રણીઓ કુલદીપસિંહ અને અંકુર પટેલ, સુરત ડિસ્ટ્રિક્ટ એક્વાકલ્ચર એસો.ના પ્રમુખ પ્રદિપભાઈ નાવિક, કોર્પોરેટર સર્વ શ્રી કૃણાલભાઈ સેલર, શ્રી અશોકભાઈ રાંદેરિયા સહિત મોટી સંખ્યામાં નાગરિકો, પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed