ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 નવેમ્બર 2021
મંગળવાર.
દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી જતા સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હી સરકારને બરોબરની ફટકારી છે. પ્રદૂષણને લઈને દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકારની સુપ્રીમ કોર્ટે દલીલ સાંભળી હતી. એ દરમિયાન જાહેરખબર પાછળ દિલ્હી સરકાર દ્વારા ખર્ચવામાં આવતા કરોડો રૂપિયા માટે પણ સુપ્રીમ કોર્ટે તેમને ઠપકો આપ્યો હતો. દિલ્હીમાં પ્રદૂષણને નાથવા દિલ્હી સરકારે હાલ લોકડાઉનને અમલમાં મૂકવાની તૈયારીમાં છે અને તે માટે તેની સાથે જ પડોશના રાજયમાં પણ તેનો અમલ કરવાની તેણે કોર્ટ પાસે માગણી કરી હતી. આ દરમિયાન કોર્ટે દિલ્હી સરકારને પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે શું પગલા લીધા એવો સવાલ પૂછ્યો હતો. તેમ જ રોડ પરની ધૂળ-માટી હટાવવા માટે કેટલા મશીન છે એવા સવાલ પણ કર્યા હતા. મશીન પાછળ ખર્ચેલી રકમ બાબતે પણ સવાલ કરીને ઓડિટ કરવા માટે કોર્ટને મજબૂર નહીં કરતા એવો કટાક્ષ કોર્ટે વ્યકત કર્યો હતો. એ દરમિયાન જ દિલ્હી સરકાર દર મહિને જાહેરખબર પાછળ 50 કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાનું જાણીને સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યકત કરી હતી અને કહ્યું હતું કે એર પોલ્યુશન પાછળ સરકારનું બજેટ માત્ર 10 કરોડ રૂપિયા છે અને જાહેરખબર પાછળ 50 કરોડ રૂપિયાનું એંધાણ કરવા સરકાર પાસે બરોબરના પૈસા છે.