ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ જૂન ૨૦૨૧
શનિવાર
દિલ્હીની અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી સરકારે કોરોનાની સેકન્ડ વેવ દરમિયાન ઑક્સિજનની જરૂરિયાત કરતાં ચાર ગણી વધારે માગ કરી હતી, એમ સુપ્રીમ કોર્ટે રચિત ઑક્સિજન ઑડિટ કમિટીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે. પૅનલે તેના વચગાળાના અહેવાલમાં જણાવ્યું હતું કે 'દિલ્હી સરકારના 1,140 મૅટ્રિક ટન્સનો દાવો બેડની જરૂરિયાતના સૂત્ર મુજબ ગણતરીના વપરાશ કરતાં ચાર ગણો હતો, જે ફક્ત 289મૅટ્રિક ટન્સ હોવો જોઈએ.
એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાની આગેવાની હેઠળની પૅનલ મુજબ દિલ્હીમાં ઑક્સિજનનો સરેરાશ વપરાશ 284થી 372 મૅટ્રિક ટન વચ્ચે હતો. દિલ્હી સરકારના ગૃહ સચિવ ભૂપિંદર ભલ્લા, મેક્સ હેલ્થકૅરના ડિરેક્ટર સંદીપ બુધિરાજા અને કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના સંયુક્ત સચિવ સુબોધ યાદવે જણાવ્યું હતું કે ”ઑક્સિજનનો મોટો પુરવઠો અહીં આપવાને કારણે અન્ય રાજ્યોને ઑક્સિજનની સપ્લાય પર અસર પડી છે.
સમિતિએ નોંધ્યું હતું કે દિલ્હીની ચાર હૉસ્પિટલો એટલે કે સિંઘલ હૉસ્પિટલ, અરુણા અસફ અલી હૉસ્પિટલ, ESIC મૉડલ હૉસ્પિટલ અને લાઇફરે હૉસ્પિટલે ખૂબ ઓછા બેડ સાથે ખૂબ વધારે વપરાશ કર્યો હોવાનો દાવો કર્યો છે અને દાવો સ્પષ્ટ રીતે ભૂલભરેલા હોવાનું જણાયું છે.
ઉલ્લેખનીય છે કે શહેરની હૉસ્પિટલોમાં એપ્રિલ-મે મહિના દરમિયાન ઑક્સિજન સપ્લાયની તીવ્ર અછતનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે કેસ ચરમસીમાએ હતા. કેજરીવાલ સરકારે હૉસ્પિટલોમાં પૂરતા મેડિકલ ઑક્સિજનની સપ્લાય ન કરવા માટે કેટરને દોષી ઠેરવ્યા, જેના કારણે મોત નીપજ્યાં. ઉપરાંત દિલ્હી સરકારે અગાઉ સુપ્રીમ કોર્ટમાં રાજધાનીમાં ઑક્સિજનના ઉપયોગનો ઑડિટ કરવાની કેન્દ્રની અરજીનો વિરોધ કર્યો હતો.