ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ જુલાઈ, ૨૦૨૧
ગુરુવાર
દિલ્હીની કડકડ ડૂમા કોર્ટમાં ન્યાય મળવામાં મોડું થતાં એક વાદીએ કોર્ટરૂમમાં જબરદસ્ત હોબાળો મચાવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. મીડિયાના અહેવાલો મુજબ આ વ્યક્તિએ સમયસર ન્યાય ન મળતાં અકળાઈને કોર્ટરૂમમાં બૂમો પાડી હતી. દરમિયાન ‘દામિની’ ફિલ્મનો સની દેઓલનો પ્રખ્યાત ડાયલૉગ “તારીખ પર તારીખ મિલતી રહેતી હૈ મગર ઇન્સાફ નહિ મિલતા જજસાહબ” સાચે જ કહી સંભળાવ્યો હતો.
આ વ્યક્તિ પર હોબાળો કરી કથિત રીતે કોર્ટના કમ્પ્યુટર અને ફર્નિચર તોડ્યા હોવાનું અહેવાલો સૂચવે છે. આ ઘટના ૧૭ જુલાઈના રોજ કોર્ટ રૂમ નંબર 66માં બની હતી. શાસ્ત્રીનગરનો રાકેશ નામનો રહેવાસી વર્ષ 2016થી પડતર પોતાના કેસમાં ન્યાય ન મળતાં નારાજ હતો. કોર્ટ તરફથી વારંવાર મળતી લાંબી તારીખોથી કંટાળેલા આ વ્યક્તિએ છેવટે આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે.
આ વ્યક્તિએ કોર્ટરૂમની અંદર જજની બેન્ચ પર તોડફોડ કરી હતી અને કોર્ટરૂમના સ્ટાફે એલાર્મ વગાડવો પડ્યો હતો, જેને પગલે પોલીસે રાકેશની ધરપકડ કરી હતી. આરોપી રાકેશની ધરપકડ કરીને તેને મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયો હતો, જ્યાંથી તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે રાકેશની કલમ 186, 353 અને કલમ 427 હેઠળ ગુનો નોંધ્યો છે.