ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
20 નવેમ્બર 2020
ઉત્તર દિલ્હીના સમીપુર બદલી પોલીસ સ્ટેશનમાં તૈનાત દિલ્હી પોલીસની મહિલા હેડ કોન્સ્ટેબલ સીમા ઢાકાને આઉટ ઓફ ટર્ન બઢતી મળતા હવે તે સહાયક સબ-ઇન્સ્પેક્ટર બની ગયા છે. આઉટ-ઓફ-ટર્ન બઢતી મેળવનાર તે દિલ્હી પોલીસની પ્રથમ મહિલા પોલીસમેન છે. નવી પ્રોત્સાહન યોજના હેઠળ, સીમા ઢાકાએ ત્રણ મહિનામાં 76 ગુમ થયેલા બાળકોને શોધી કાઢવા બદલ આ પ્રમોશન આપવામાં આવ્યું છે.
સીમાએ કહ્યું કે આજે મારા યુનીફોર્મ પર સ્ટાર લાગવાથી ખૂબ જ ખુશ છું. ગુમ થયેલ બાળકોને તેમના માતાપિતા સાથે ફરીથી મેળવી આપી ખૂબ ખુશ છે. "હું ખુશ છું કે પોલીસ કમિશનરે મારા કામની પ્રશંસા કરી અને સારો બદલો આપ્યો. આ અન્યને પણ પ્રોત્સાહિત કરશે."
નોંધપાત્ર વાત એ છે કે આ વર્ષે 5 ઓગસ્ટે પોલીસ કમિશનર દ્વારા ગુમ થયેલ બાળકોને શોધવાની કામગીરીને પ્રોત્સાહિત કરવા જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત, કોઈપણ હેડ કોન્સ્ટેબલ અથવા કોન્સ્ટેબલ 14 વર્ષથી ઓછી વયના ઓછામાં ઓછા 50 ગુમ થયેલા બાળકોને જો શોધી કાઢશે તો આઉટ-ટર્ન-પ્રમોશન આપવામાં આવશે. જો કે, આ 50 બાળકોમાંથી, 15 બાળકોની ઉંમર આઠ વર્ષથી ઓછી હોવી આવશ્યક છે.
સીમા ઢાકા દ્વારા પ્રાપ્ત કરાયેલા બાળકો દિલ્હીના વિવિધ પોલીસ સ્ટેશનમાંથી ગુમ થયા હતા અને તેઓ બિહાર, બંગાળ અને દેશના અન્ય ભાગોથી મળી આવ્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઓગસ્ટથી લઈને આજ સુધીમાં સમગ્ર દિલ્હીમાંથી 1440 બાળકો મળી આવ્યા છે. જેઓને પોતાના વાલીઓ પાસે ઘરે પહોંચાડવામાં આવ્યાં છે.
