ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
મહારાષ્ટ્ર રાજ્યના શિક્ષણ વિભાગે આખરે અગિયારમા ધોરણના પ્રવેશ માટે આયોજિત CETના રજિસ્ટ્રેશનની વેબસાઇટ તાત્પૂરતી બંધ કરી છે. CETનું રજિસ્ટ્રેશન ૨૦ જુલાઈથી સવારે ૧૧.૩૦ કલાકે શરૂ થવાનું હતું, પરંતુ તકનિકી ખામીને કારણે વિદ્યાર્થીઓ એ દિવસે રજિસ્ટ્રેશન કરી શક્યા ન હતા. બીજા દિવસે વેબસાઇટ શરૂ થઈ હતી અને ફરીથી કડડડભૂસ થઈ ગઈ હતી.
હવે આ સંદર્ભે શિક્ષણ વિભાગના અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે તકનિકી ખામી દૂર કરવામાં સમય લાગશે. વેબસાઇટ પૂર્વવત્ થયા બાદ વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન માટે અતિરિક્ત સમય આપવામાં આવશે. ઉપલબ્ધ માહિતી મુજબ સર્વર પર એકસાથે આવેલો લૉડ ઉપાડી શક્યું ન હોવાથી વેબસાઇટ ખોડંગાઈ હતી. હાલ CETની વેબસાઇટ પર વિદ્યાર્થીઓ માટે મૅસેજ મુકાયો છે કે “તકનિકી કારણોસર અગિયારમાના પ્રવેશ માટેની CET વેબસાઇટ તાત્પૂરતી બંધ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓએ ગભરાવાની જરૂર નથી. એકવાર વેબસાઇટ ફરીથી ચાલુ થયા બાદ પ્રસાર માધ્યમો દ્વારા જાણ કરવામાં આવશે.”
મીરા-ભાયંદરના શિવસેનાના આ વિધાનસભ્યના ભાઈની ખંડણી માગવાના ગુના હેઠળ પોલીસે કરી ધરપકડ; જાણો વિગત
ઉલ્લેખનીય છે કે રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ ૨૬ જુલાઈ, ૨૦૨૧ આપવામાં આવી હતી. જોકે, હવે આ તારીખ લંબાશે, જેને કારણે વિભાગનું સમયપત્રક ખોરવાશે અને ઍડ્મિશન પ્રોસેસ વધુ લંબાવાની શક્યતા છે. બુધવાર સુધીમાં લગભગ ૧.૫ લાખ વિદ્યાર્થીઓએ CET માટે રજિસ્ટ્રેશન કર્યું હતું.