ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 ઑગસ્ટ, 2021
મંગળવાર
નારાયણ રાણે અત્યારે ભારતીય જનતા પાર્ટી માટે મહારાષ્ટ્રમાં યાત્રા કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ભાજપના નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નારાયણ રાણેને આડકતરી રીતે મર્યાદામાં રહેવાનો સંદેશ આપ્યો છે. પત્રકારો સાથે વાતચીત કરતાં દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે ભાષણ આપતી વખતે નારાયણ રાણેની જીભ લપસી ગઈ હશે. પરંતુ આટલી નાની બાબતે તેમની વિરુદ્ધમાં કાર્યવાહી ન થવી જોઈએ. તેમણે એક વાત સ્પષ્ટ કરી હતી કે નારાયણ રાણેએ જે વક્તવ્ય આપ્યું છે તે વક્તવ્યનું ભારતીય જનતા પાર્ટી સમર્થન કરતી નથી. પરંતુ નારાયણ રાણેનું સંપૂર્ણ રીતે સમર્થન કરવામાં આવશે.
પોલીસ વિભાગ પર ચાબખા મારતા તેમણે જણાવ્યું હતું કે સાવ નાનકડી બાબતમાં નારાયણ રાણેની ધરપકડની વાત કરનાર પોલીસ અધિકારી મહારાષ્ટ્ર સરકારની મસ્કા પોલિશ કરી રહી છે.