Digital SevaSetu : ડિજિટલ સેવાસેતુ: ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ ક્રાંતિની દિશામાં મહત્વનું પગલું, 2 વર્ષમાં ગ્રામ પંચાયતોમાંથી 61 લાખથી વધુ લોકોએ સરકારી સેવાઓનો લાભ લીધો

Digital SevaSetu : જનસુખાકારી અને ‘ઇઝ ઑફ લિવિંગ’ વધારવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાનશ્રીએ જે ‘ડિજિટલ ઇન્ડિયા’ મિશનની શરૂઆત કરી હતી,

by kalpana Verat
Digital SevaSetu More than 61 lakh people from Gram Panchayats took advantage of government services in 2 years

 News Continuous Bureau | Mumbai 

Digital SevaSetu :

  • ડિજિટલ સેવા સેતુ પોર્ટલ દ્વારા છેલ્લાં 2 વર્ષમાં ગ્રામ પંચાયતોમાંથી 61 લાખથી વધુ લોકોએ સરકારી સેવાઓનો લાભ લીધો
  • ઇ-ગ્રામ સેવા મારફતે હવે ગ્રામ પંચાયતો ₹20ની ફી સાથે 14 જેટલાં પ્રમાણપત્રો જારી કરી શકશે; આવકનો દાખલો, રાશન કાર્ડમાં સુધારો થઈ જશે
  • હાલમાં ડિજિટલ સેવાસેતુના માધ્યમથી 14 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં મળે છે 321 જેટલી નાગરિક કેન્દ્રિત સેવાઓ
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાત અગ્રેસર

ગાંધીનગર, 16 એપ્રિલ, 2025: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વમાં ભારત ડિજિટલ કનેક્ટિવિટીમાં સતત આગળ વધી રહ્યું છે. ટેક્નોલૉજીના મહત્તમ ઉપયોગ દ્વારા જનસુખાકારી અને ‘ઇઝ ઑફ લિવિંગ’ વધારવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાનશ્રીએ જે ‘ડિજિટલ ઇન્ડિયા’ મિશનની શરૂઆત કરી હતી, તેને ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ‘ડિજિટલ ગુજરાત’ના મંત્ર સાથે આગળ વધારી રહ્યું છે. આજે ગુજરાત સરકારની ડિજિટલ સેવા સેતુ પહેલના કારણે રાજ્યના અંતરિયાળ ગામડામાં રહેતી વ્યક્તિને પણ નાગરિક-કેન્દ્રિત સેવાઓ ઓનલાઈન મળી રહી છે. ડિજિટલ સેવાસેતુ એ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં એક મજબૂત ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક ઊભું કરીને ગ્રામ્ય સ્તરે સરકારી સેવાઓ પૂરી પાડવા માટેની પહેલ છે. હાલમાં ડિજિટલ સેવા સેતુ પોર્ટલ પર 321 પ્રકારના પ્રમાણપત્રો/સેવાઓ ઉપલબ્ધ છે, જેનો લાભ છેલ્લાં 2 વર્ષમાં 61 લાખથી વધુ લોકોએ લીધો છે.

Digital SevaSetu : ડિજિટલ સેવાસેતુ: ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ ક્રાંતિની દિશામાં મહત્વનું પગલું

રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને સરકારી સેવાઓ મેળવવામાં મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઑક્ટોબર 2020માં ડિજિટલ સેવા સેતુ પોર્ટલ લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ દ્વારા તાલુકા અને જિલ્લા કક્ષાના સેવા કેન્દ્રો પર ઉપલબ્ધ સેવાઓ ગ્રામ્ય સ્તરે સામાન્ય નાગરિકોને તેમની સુવિધા અનુસાર અને ગ્રામ પંચાયતમાંથી જ સામાન્ય ફી પર પૂરી પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ડિજિટલ સેવાસેતુના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકોને સરકારી સેવાઓ વધુ પારદર્શી રીતે, સરળતાથી અને ઝડપથી ઉપલબ્ધ થઈ છે જે તેને ડિજિટલ ક્રાંતિની દિશામાં મહત્વની પહેલ બનાવે છે.

Digital SevaSetu : ડિજિટલ પરિવર્તનની પહેલમાં ભારતનેટ પ્રોજેક્ટની ભૂમિકા મહત્વપૂર્ણ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા દેશની તમામ ગ્રામપંચાયતોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરવાના ઉદ્દેશથી ભારતનેટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. ગુજરાતના સુશાસનમાં નવતર પ્રયાસ તરીકે રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલૉજી વિભાગે ભારત નેટ પ્રોજેક્ટ હેઠળ ગ્રામ પંચાયતોને ફાઇબર નેટવર્ક સાથે જોડીને ડિજિટલ સેવા સેતુનો નવો અભિગમ શરૂ કર્યો હતો. ભારત નેટ પ્રોજેક્ટ હેઠળ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક દ્વારા રાજ્યના 8000થી વધુ ગામડાઓમાં 100 Mbps હાઇ સ્પીડ ઇન્ટરનેટની સુવિધા મળી છે જેથી તાલુકા અને જિલ્લા કક્ષાના સેવા કેન્દ્રો પર ઉપલબ્ધ સેવાઓ ગ્રામ પંચાયતમાં જ સામાન્ય ફી પર પૂરી પાડવામાં આવે છે. આ અંતર્ગત, નામ ઉમેરવા, નામ દૂર કરવા અથવા રાશનકાર્ડમાં સુધારો કરવા અથવા ડુપ્લિકેટ રેશનકાર્ડ, આવક પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, ક્રીમી લેયર પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર વગેરે જેવી સેવાઓ ગ્રામ પંચાયત કચેરીમાંથી જ ડિજિટલ સેવા સેતુ દ્વારા માત્ર 20 રૂપિયાની ફી ચૂકવીને ઉપલબ્ધ બને છે.

આ સમાચાર પણ વાંચો : BJP National President : નડ્ડાનું સ્થાન કોણ લેશે? પીએમ નિવાસસ્થાને યોજાઈ મહત્વપૂર્ણ બેઠક; ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે આ 8 નેતા છે પ્રબળ દાવેદાર

નોંધનીય છે કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભારતનેટ ફેઝ-2 નેટવર્કનો ઉપયોગ કરીને ડિજિટલ સેવા સેતુ પ્લેટફૉર્મે લગભગ 1.57 કરોડ ગ્રામીણ રહેવાસીઓને 321 સેવાઓનો લાભ આપ્યો છે.

Digital SevaSetu : છેલ્લાં 2 વર્ષમાં ગ્રામ પંચાયતોમાંથી 61 લાખથી વધુ લોકોએ વિવિધ સેવાઓનો લાભ લીધો

તાજેતરમાં ગુજરાતમાં ગ્રામ પંચાયતોને ₹20ની ફી સાથે 14 પ્રકારના પ્રમાણપત્રો જારી કરવાની સત્તા આપવામાં આવી છે જેમાં આવકનો દાખલો, રાશન કાર્ડમાં ફેરફાર વગેરેનો સમાવેશ થાય છે. આ પહેલથી ગ્રામીણ વિસ્તારોના નાગરિકોને પ્રમાણપત્રો, દસ્તાવેજો વગેરે જેવી રોજિંદી સેવાઓ માટે તાલુકા કે જિલ્લા કચેરીઓમાં જવાની જરૂર નહીં પડે અને સાથે તેમનો સમય અને મુસાફરી ભાડું પણ બચશે. આ પહેલ હેઠળ 248 તાલુકાની 14112 ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે.

ડિજિટલ સેવા સેતુની સફળતા આંકડામાં જોઈએ તો, 2023-24માં કુલ 27,13,079 લોકો અને 2024-25માં કુલ 34,99,261 લોકોએ ગ્રામ પંચાયતોમાંથી વિવિધ સરકારી સેવાઓનો લાભ લીધો છે. હાલમાં ડિજિટલ સેવા સેતુ પોર્ટલ પર 321 પ્રકારના પ્રમાણપત્રો/સેવાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, SJED (સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ)ના 18 પ્રમાણપત્રો કે સેવાઓ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ડિજિટલ સેવા સેતુના અમલીકરણથી સમય, નાણાં અને કાગળની બચત થઈ છે અને VCE (ગ્રામ્ય કમ્પ્યુટર ઉદ્યોગસાહસિકો) દ્વારા રોજગારીનું સર્જન થયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Join Our WhatsApp Community

You may also like