News Continuous Bureau | Mumbai
Divyang Sahay yojana :
- વર્ષ ૨૦૧૨થી દિવ્યાંગ આર્થિક સહાય યોજના હેઠળ સંજયભાઈને મળી રહ્યું છે માસિક રૂ.૧૦૦૦નું પેન્શન
- સરકારે અમને અશક્તમાંથી સશક્ત બનાવ્યા: સંજયભાઈ બારૈયા
રાજ્ય અને કેન્દ્ર સરકારે સમાજના દરેક વર્ગો માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે, અને સમયાંતરે વધુ લોકલક્ષી જોગવાઈઓ કરી મહત્તમ લાભાર્થીઓને આવરી લીધા છે. વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે અને વિકાસની મુખ્યધારામાં તેમની સહભાગિતાને સુનિશ્ચિત કરવા માટે વિવિધ કાયદાઓમાં વિવિધ જોગવાઈઓ થઈ છે અને અનેકવિધ યોજનાઓ પણ અમલી છે. દિવ્યાંગ પેન્શન સહાય યોજના આવી જ એક આગવી યોજના છે, જે અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ નિવડી છે.

મૂળ ભાવનગરના અને વર્ષોથી સુરતમાં સ્થાયી થયેલા ૩૨ વર્ષીય સંજભાઈ બારૈયાને દિવ્યાંગજનો માટેની યોજનાઓએ આર્થિક આધાર અને સામાજિક હુંફ આપી છે. સુરતના ભરથાણા (કોસાડ) ગામમાં રહેતા સંજયભાઈ હાલ CSC-જનસુવિધા કેન્દ્રમાં કામ કરે છે. પરિવારમાં માતા-પિતા અને એક નાનાભાઈ સાથે ભાડાના મકાનમાં રહે છે. સંજયભાઈને વર્ષ ૨૦૧૨થી દિવ્યાંગ પેન્શન સહાય યોજના હેઠળ પહેલા માસિક રૂ.૧૦૦૦ મળી રહ્યા છે. સાથે સાથે તેઓને દર મહિને ઘઉં અને ચોખા મળીને કુલ ૨૦ કિ.ગ્રામ અનાજ મળી રહ્યું છે.

તેમણે સહજભાવે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, હું શારીરિક રીતે દિવ્યાંગ છું પણ મનથી મકક્મ છું. કામ કરવામાં ક્યારેય પાછી પાની કરી નથી. ફિઝિકલી ચેલેન્જડ સ્ટુડન્ટસને ઈશ્વરે સુષુપ્ત શક્તિઓ આપી હોય છે એવું મેં જાતે અનુભવ્યું છે. ગરીબી વચ્ચે સંઘર્ષ કરી અભ્યાસ કર્યો છે અને બેચલર ઓફ આર્ટ્સ (B.A)ની ડિગ્રી મેળવી છે. સાથે સાથે સરકારની વિવિધ સહાયનો લાભ મળવાથી મને આર્થિક આધાર પણ મળ્યો છે. સરકારી યોજનાઓ અત્યંત ગરીબ પરિવારો માટે વરદાનથી ઓછી નથી. મને દિવ્યાંગ આર્થિક સહાય યોજના હેઠળ માસિક રૂ.૧૦૦૦નું પેન્શન પણ મળી રહ્યું છે. ઉપરાંત સરકાર તરફથી ટ્રાઈસિકલ અને આજીવિકા માટે વિકલાંગ કેબિન પણ ફાળવાયું છે, જેના થકી હું પરિવારને મોટો આર્થિક ટેકો આપી રહ્યો છું અને સારી રીતે જીવનગુજરાન ચલાવીને ઘર પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહ્યો છું.

આ સમાચાર પણ વાંચો : Power generating govt companies : દેશની ટોચની પાંચ વીજ ઉત્પાદક સરકારી કંપનીઓમાંથી ચાર ગુજરાતની, મળ્યું A+ રેટિંગ
તેઓ વધુમાં કહે છે કે, કોરોનાકાળમાં લોકડાઉનની આ કપરી પરિસ્થિતિમાં અમારા જેવા વંચિત પરિવારોની કાળજી લઈને સરકારે અનાજ આપ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારે અન્નસુરક્ષા પૂરી પાડી અમારા વ્હારે આવી હતી. સરકાર હજુ પણ આ યોજનાનો લાભ આપીને મારા પરિવારના ભરણ પોષણની કાળજી લઈ રહી છે. જે બદલ તેમણે સરકાર પ્રત્યે આભાર વ્યકત કર્યો હતો અને ઉમેર્યું કે, દિવ્યાંગ પેન્શન તેમજ વ્યવસાય માટે કેબિન મળવાથી મને આર્થિક સ્વાધિનતા મળી છે. કોઈ સામે હાથ લાંબો કરવો પડતો નથી. સરકારે અમને અશક્તમાંથી સશક્ત બનાવ્યા છે એવું તેઓ હ્રદયપૂર્વક જણાવે છે.

આગામી તા.૭મીએ વડાપ્રધાનશ્રી દિવ્યાંગજનો, ગંગાસ્વરૂપા બહેનો તેમજ વયોવૃદ્ધજનો-વડીલોના કલ્યાણ માટે આયોજિત કાર્યક્રમમાં સુરત આવી રહ્યા છે, ત્યારે સુરતમાં તેમનું ખૂબ સ્વાગત છે. આ કાર્યક્રમમાં હું પણ સહભાગી થવાનો છું જેનો મને આનંદ છે એમ સંજયભાઈએ જણાવ્યું હતું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
 
			         
			         
                                                        