ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
ગાગરમાં ફસાયેલું મોં લઈને ચાર વર્ષથી હેરાન અવસ્થામાં ફરતા શ્વાનને આખરે ગાગરમાંથી મુક્તિ મળી. ઠેરઠેરથી ઍનિમલ રેસ્ક્યુ ટીમોએ શ્વાનના મોઢાને ગાગરમાંથી કાઢવાના પ્રયત્ન કર્યા પણ છેલ્લે કોલ્હાપુરની પપ્પુદા પીપલ ફૉર ઍનિમલ ટીમ સફળ થઈ.
ચોકાકા ગામમાં ભટકતા શ્વાનનું મોઢું પ્લાસ્ટિકની ગાગરમાં ઘૂસી ગયું હતું. ગામના લોકોએ શ્વાનનું મોઢું બહાર કાઢવાના ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ દરેક વખતે ડરીને શ્વાન ગામની બહાર ખેતરમાં છુપાઈ જતો. આવા હાલમાં ચાર વર્ષ સુધી આ શ્વાન ભટકતો રહ્યો. સમય જતાં અસ્વસ્થ થયેલા શ્વાને જેમ તેમ કરીને આ ગાગર ફોડી, પરંતુ અડધી ગાગર તેના ગળામાં ફસાયેલી રહી ગઈ. ત્યાર બાદ બાકી રહેલી ગાગર તૂટી પણ ગાગરનો આગળનો ભાગ રિંગની જેમ તેના ગળામાં રહી ગયો ત્યારથી તેની તકલીફ વધી ગઈ.
શ્વાન મોટો થશે ત્યારે તેના ગળાની આ રિંગ ફાંસીનો ફંદો બની જશે એવી ચિંતાથી ગામના લોકોએ ઇન્ટરનેટની મદદથી ઍનિમલ રેસ્ક્યુ ટીમનો સંપર્ક કર્યો. અનેક ઠેકાણેથી ટીમો આવી પણ કોઈને સફળતા મળી નહીં. પપ્પુદા પીપલ ફૉર ઍનિમલ ટીમ છેલ્લાં બે વર્ષથી શ્વાનને પકડવાનો પ્રયત્ન કરવા આ ગામમાં આવતી હતી. વારંવાર પ્રયત્ન કર્યા બાદ શ્વાન પકડાયો, ત્યારે તેની તબિયત પણ નાજુક થઈ ગઈ હતી. તેના ગળામાં ઘા થઈ ગયા હતા. આ ટીમે તકેદારીપૂર્વક તેના ગળામાંથી રિંગ કાઢી અને ચાર વર્ષથી ગૂંગળાતા શ્વાનને મુક્ત કરીને યોગ્ય સારવાર આપી.