News Continuous Bureau | Mumbai
Dombivli MIDC Blast : મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ડોમ્બિવલીના MIDC વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં આજે બોઈલર ફાટવાને કારણે આગ ફાટી નીકળી હતી. ડોમ્બિવલી કેમિકલ કંપની ( Chemical company ) માં બ્લાસ્ટના કારણે આસપાસની ઈમારતોના કાચ તૂટી ગયા હતા. આ ઘટનામાં 4 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં બે મહિલા અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બ્લાસ્ટમાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે.
Dombivli MIDC Blast : ફાયરની 4 ગાડીઓ આવી પહોંચી હતી
આગના સમાચાર મળ્યા પછી, વહીવટીતંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી અને ચાર ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે મોકલ્યા, જ્યારે સ્થાનિક વહીવટી અધિકારીઓ પણ પોલીસ દળની સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા. કારખાનાની અંદર આગને કારણે કાળો ધુમાડો નીકળ્યો હતો જે ઘણા કિલોમીટર દૂરથી જોઈ શકાતો હતો. આ ધુમાડો જોઈને ઘણા લોકો અહીં એકઠા થઈ ગયા. જે બાદ માનપાડા પોલીસે સામાન્ય લોકોની ભીડને સ્થળ પરથી હટાવવી પડી હતી.
Dombivli MIDC Blast : વિસ્ફોટો હજુ પણ થઈ રહ્યા છે
થાણેની ઓમેગા ફેક્ટરીની અંદર હજુ પણ વિસ્ફોટોના અવાજ સંભળાઈ રહ્યા છે, જ્યારે લખાય છે ત્યાં સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નથી. ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ આગ પર કાબૂ મેળવવા સતત પ્રયાસ કરી રહી છે. ફેક્ટરીની અંદર હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોવાની આશંકા છે. જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ફેક્ટરીની બહાર રાખવામાં આવેલા વાહનો અને આસપાસની ઈમારતોના કાચ તૂટી ગયા હતા.
આ સમાચાર પણ વાંચો: Dombivli MIDC Blast : ડોમ્બિવલી MIDCમાં જોરદાર વિસ્ફોટ; આજુબાજુની ઈમારતોના તૂટી ગયા કાચ.. જુઓ વિડીયો
Dombivli MIDC Blast : ડેપ્યુટી સીએમએ શું કહ્યું?
ડેપ્યુટી સીએમ ફડણવીસે આ મામલે કહ્યું છે કે બોઈલર બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને 30થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. અંદર ફસાયેલા બાકીના લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે આ મામલે સ્થાનિક કલેક્ટર સાથે વાત કરી છે અને બચાવ કામગીરી ઝડપી બનાવવા જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે એનડીઆરએફ, ટીડીઆરએફ અને ફાયર બ્રિગેડની બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જ્યારે સર્ચ અને રેસ્ક્યુ પણ ચાલી રહ્યું છે.