ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 ઑક્ટોબર, 2021
શનિવાર
ડ્રગ્સની હેરફેર કરવા માટે ડ્રગ્સ માફિયાઓ અનેક ઉપાયો અજમાવતા હોય છે. હાલમાં જ કર્ણાટકના બૅન્ગલુરુ શહેરમાં ડ્રગ્સની હેરફેર કરવા માટે કોર્ટના દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. પોલીસે આ પ્રકરણમાં બેની ધરપકડ કરી છે.
બૅન્ગલુરુમાં સ્પીડ પોસ્ટ, ગિફ્ટ આર્ટિકલ્સ અને હોમ ડિલિવરી સર્વિસના માધ્યમથી કોર્ટના દસ્તાવેજોની આડમાં ડ્રગ્સ મોકલનારા તસ્કરોને પોલીસે પકડી પાડ્યા છે. આરોપી પાસેથી પોલીસે 300 એમડીએમએ એક્સટ્સી ટેબ્લેટ. 100 એલએસડી પેપર બ્લાટ, 350 ગ્રામ ચરસ અને 1.5 કિલો હાઈડ્રો ગાંજો જપ્ત કર્યો છે.
મુંબઈનું અગ્નિ કાંડ : છેલ્લા દસ વરસમાં લગભગ 50,000 આગ લાગી. જાણો મુંબઈમાં આગ લાગવાના આંકડા
પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ વિદેશી ઑપરેટરો પાસેથી ડ્રગ્સ ખરીદતા હતા અને પોસ્ટ મારફત લોકોને પહોંચાડતા હતા. સ્પીડ પોસ્ટના માધ્યમથી એક વકીલના નામથી અદાલતી દસ્તાવેજોના નામ પર આ ડ્રગ્સ મોકલવામાં આવ્યું હતું. આરોપીએ વિકર-મી ઍપના માધ્યમથી ગ્રાહકો પાસેથી ઑર્ડર લીધો હતો.
આરોપીઓ સાબુની અંદર, ફોટો, ગ્રિટિંગ કાર્ડ અને બુકની વચ્ચે ડ્રગ્સ લઈ જતા હતા. સામાનને ગિફ્ટ રેપરથી ઢાંકી દેતા હતા અને ગ્રાહકોને દરવાજા સુધી સામાન પહોંચાડતા હતા, જેને તેઓ સ્વિગી, જીની અને ડંજો ડિલિવરી જેવું દેખાડતા હતા.