ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ડિસેમ્બર 2021
બુધવાર
અમરેલી જિલ્લામાં રાજુલા કોસ્ટલ બેલ્ટ પર સિંહોની સંખ્યા પણ વધી રહી છે. વહેલી સવારે કાર ચાલક અશોકભાઈ ટીમાણીયા કાર લઈ પીપાવાવ નોકરી પર જતા હતા. ત્યારે ભેરાઈ રોડ પર બંધ પેટ્રોલપંપ નજીક રોડ ઉપર સિંહ-સિંહબાળ આવી ચડ્યા હતા. વહેલી સવારે ૫ વાગે સિંહ રોડ વચ્ચે આવી ગયા હોવાથી કાર ચાલકે ઓચિંતી બ્રેક મારી હતી. પરંતુ સિંહો રોડ વચ્ચે જ મસ્તીએ ચડ્યા હોવાથી મસ્તી કરતા કરતા અલ્ટો કાર આગળ આવીને કાર સાથે અથડાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે તેમને ઇજા ન થાય તે માટે કાર ચાલક દ્વારા તેમને બચાવવા કાર પાછળ રિવર્સ લેતાં કાર ખાડામાં ઉતરી જવાની ઘટના બની હતી. જાે કે આ ઘટનામાં કોઈને ઇજા થવા પામી નથી, ત્યારબાદ ૧ બાઇક ચાલક આવતા તેનો જીવ ઓચિંતા સિંહને જાેઈ તાળવે ચોંટી ગયો હતો. તેમજ બાઇક વાળવાની ઉતાવળે તે પણ પડતા પડતા મહા મુસીબતે બાઇક વાળી અન્ય રોડ પર રવાના થયો હતો. ત્યારબાદ કાર ચાલક નીચે ઉતર્યા હતા, જાે કે કેટલીક મિનિટો પછી સિંહો રોડ પરથી વાડી વિસ્તાર તરફ રવાના થયા હતા.
કાર ચાલકએ મીડિયાને જણાવ્યું હતું કે સિંહો ઓચિંતા રોડ ઉપર આવી ગયા હતા. જેના કારણે પહેલા તો તેમણે બ્રેક મારી દીધી હતી. પરંતુ તેઓ મસ્તી કરતા કરતા ગાડી સાથે ભટકાય તેમ હતા એટલે ગાડી રિવર્સ લેતાં ગાડી પાછળના ખાડામાં ઉતરી ગઈ હતી. રાજુલા રેન્જમાં કેટલાય મહિનાઓથી આરએફઓ નથી. જેના કારણે અન્ય રેન્જના આરએફઓને ચાર્જ સોંપાયો છે. પરંતુ સ્થિતિ વધુ જાેખમી બની રહી છે, સિંહો શહેર નજીક રોડ ઉપર વધુ આંટાફેરા કરતા જાેવા મળે છે. જેમાં કોઈ મોટી દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ ગણાશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.