ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
19 ઓક્ટોબર 2020
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફ્રેસના નેતા ફારૂક અબ્દુલ્લાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઇડી શ્રીનગરમાં પુછપરછ કરી રહીં છે. જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનમાં પૈસાની ગડબડ મામલે આ પૂછપરછ થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઇડી આ કેસમાં ફારુક અબ્દુલ્લાની પૂછપરછ કરી ચૂકી છે. મહત્વપૂર્ણ વાત એ છે કે જમ્મુ કાશ્મીર ક્રિકેટ સંઘમાં કથિત 113 કરોડ રૂપિયાની ગડબડની ઘટના જૂની છે. પહેલા આ તપાસ જમ્મુ કાશ્મીર પોલીસ કરી રહી હતી, જે પછી કોર્ટે તેને સીબીઆઇના હવાલે સોપી દીધી હતી. પછી આ કેસમાં ઇડીની એન્ટ્રી થઇ હતી, કારણ કે કેસ મની લોન્ડ્રિંગ સાથે જોડવામાં આવ્યો હતો.
જાણો શું છે સમગ્ર મામલો
વર્ષ 2002થી લઇને 2012ની વચ્ચે જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનને રાજ્યમાં રમતને પ્રોત્સાહન આપવા માટે 113 કરોડ રૂપિયાનું ભંડોળ આપવામાં આવ્યું હતું. પરંતુ આ કથિત ફંડનો પુરી રીતે ખર્ચ કરવામા આવ્યો નથી. તપાસ દરમિયાન સામે આવ્યું કે બીસીસીઆઇ દ્વારા ફાળવવામાં આવેલા ફંડમાંથી 43.69થી વધારેની ઉચાપાત કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે સીબીઆઇએ પોતાની તપાસમાં ફારૂક અબ્દુલ્લાનું નામ સામેલ કર્યુ હતું, હવે ઇડી બેન્ક ડૉક્યુમેન્ટના આધાર પર તેમની પૂછપરછ કરી રહી છે.
સીબીઆઇના આરોપ અનુસાર, ફારુક અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ હતા ત્યારે આ પૈસાની ઉચાપાત થઇ હતી. આ કેસમાં ફારુક અબ્દુલ્લાની સાથે ક્રિકેટ એસોસિએશનના તત્કાલીન જનરલ સેક્રેટરી મોહમ્મદ સલીમ ખાન, તત્કાલીન ખજાનચી અહસાન અહમદ મિર્ઝા અને જમ્મુ-કાશ્મીર બેંકના એક કર્મચારી બશીર અહમદ મિસગર આરોપી છે. આ લોકો પર ગુનાહિત કાવતરું અને વિશ્વાસઘાતનો આરોપ છે.
નોંધનીય છે કે ફારૂક અબ્દુલ્લા જ્યારથી હાઉસ એરેસ્ટમાંથી છુટ્યા છે ત્યારથી અવારનવાર ચર્ચામાં હોય છે. થોડા દિવસ અગાઉ તેમની આગેવાનીમાં જમ્મુ-કાશ્મીરમાં વિપક્ષી પાર્ટીઓની બેઠક થઇ હતી, જેમાં અનુચ્છેદ 370 મામલે વાત થઇ હતી. દરમિયાન વિપક્ષી પાર્ટીઓએ ગુપકાર સમજૂતિ પર હસ્તાક્ષર કર્યાં છે અને ગઠબંધન બનાવ્યું છે, જે અનુચ્છેદ 370 ફરી રાજ્યમાં લાદવાની માગ કરશે.
