News Continuous Bureau | Mumbai
Ek Ped Maa Ke Naam :
- રાજ્યમાં કચ્છમાં સૌથી વધુ 2.95 કરોડ રોપા વાવવામાં આવ્યા
- 33 જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં કુલ 1.76 કરોડ અને શહેરી ક્ષેત્રોમાં 15.72 કરોડ રોપા જનભાગીદારીથી રોપવામાં આવ્યા.
- અભિયાનની દેશવ્યાપી પ્રગતિનું નિરીક્ષણ વૃક્ષારોપણના જીઓ ટેગ કરેલા ફોટો-વિડિયો “મેરી લાઈફ” પોર્ટલ પર અપલોડ કરીને થાય છે.
- વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન, 2025 ગુરૂવારે “એક પેડ માં કે નામ 2.0” અંતર્ગત ગાંધીનગરમાં નવા સચિવાલય પ્રાંગણમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ માતૃવન – વન કવચમાં વૃક્ષારોપણ કરશે
- અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિશન 4 મિલિયન ટ્રીઝ-2025નો આરંભ સિંદૂર વન નિર્માણથી થશે
ઓપરેશન સિંદૂરની સફળતાની સ્મૃતિ ચિરંજીવ રાખવા 551 સિંદૂરના વૃક્ષો સિંદૂર વનમાં વાવવામાં આવશે
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૃથ્વીમાતાને હરિયાળા વૃક્ષોથી આચ્છાદિત કરીને પર્યાવરણ જાળવણી અને આપણી જીવનદાત્રી માતાની સ્મૃતિ જોડવાની પ્રેરણા સાથે “એક પેડ માં કે નામ” વૃક્ષારોપણ અભિયાનની દેશવ્યાપી શરૂઆત વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન, 2024થી કરાવી છે.
વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને પોતાની માતાઓ માટેના પ્રેમ, આદર અને સન્માનના પ્રતિકરૂપે એક વૃક્ષ વાવવા અને ધરતી માતાનું ગ્રીન કવર વધારવા 2024ના વિશ્વ પર્યાવરણ દિવસે આહવાન કર્યું હતું. આ અભિયાનને પાંચ જૂન, 2025ના એક વર્ષ પૂર્ણ થવાનું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વયં નવી દિલ્હીમાં બુદ્ધ જયંતી પાર્કમાં પીપળાના વૃક્ષના વાવેતરથી આ રાષ્ટ્રવ્યાપી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
“એક પેડ માં કે નામ” અંતર્ગત સમગ્ર દેશમાં 140 કરોડ રોપાના વાવેતરનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું હતું. દેશભરમાં વ્યક્તિઓ, સંસ્થાઓ, સમુદાય આધારિત સંસ્થાઓ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ લોકભાગીદારી જોડીને આ અભિયાનને જન આંદોલન બનાવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાતે “એક પેડ માં કે નામ” અભિયાનમાં 17 કરોડ 48 લાખ રોપાના વાવેતરથી દેશના રાજ્યોમાં આ અભિયાનની લક્ષ્યાંક સિદ્ધિમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા આ “એક પેડ માં કે નામ” અભિયાનમાં સમગ્ર ગુજરાતે વ્યાપક પ્રતિસાદ આપીને શહેરી વિસ્તારમાં 15.72 કરોડ તથા ગ્રામ્ય ક્ષેત્રોમાં 1.76 કરોડ રોપાઓનું વાવેતર જનશક્તિને જોડીને કર્યું છે. કચ્છ જિલ્લામાં આ અભિયાન અંતર્ગત સૌથી વધુ 2 કરોડ 95 લાખ રોપા વાવવામાં આવ્યા છે. આ અભિયાનની દેશવ્યાપી પ્રગતિનું નિરીક્ષણ “મેરી લાઈફ” પોર્ટલ દ્વારા થાય છે. આ હેતુસર વૃક્ષારોપણના જીઓ ટેગ કરેલા ફોટા અને વિડીયો અપલોડ કરવામાં આવે છે. ગુજરાત દ્વારા આવા 17 કરોડ 48 લાખ 34 હજાર 820 છોડ-રોપા ફોટો પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “એક પેડ માં કે નામ” અભિયાન સાથોસાથ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ગાઢ વન નિર્માણ માટેની મિયાવાકી પદ્ધતિથી માતૃવન – વનકવચ તૈયાર કરવાનું પણ આહવાન કર્યું છે. ગુજરાતમાં 2024માં 75માં વન મહોત્સવ અન્વયે 5500 ગામડાઓમાં માતૃવન ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વન કવચ યોજના તહેત મિયાવાકી પદ્ધતિથી કુલ 10 હજાર રોપાઓનું 1X1 મીટરના અંતરે વાવેતર કરીને 2024-25ના વર્ષમાં 200 હેક્ટર વિસ્તારમાં 122 વન કવચ તૈયાર કરવામાં આવેલા છે.
આ સમાચાર પણ વાંચો : Ek Bharat Shreshtha Bharat : PM મોદીની “એક ભારત – શ્રેષ્ઠ ભારત” સંકલ્પના સાકાર કરતો ત્રિ-દિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલ અમદાવાદમાં સંપન્ન
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અનુસાર વન મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના નેતૃત્વમાં વન વિભાગે આ વર્ષે “એક પેડ માં કે નામ 2.0” અંતર્ગત 2025-26ના વર્ષ દરમિયાન શહેરો-ગામો મળીને કુલ 425 હેક્ટર વિસ્તારમાં માતૃવન- વન કવચ નિર્માણ પર ફોકસ કર્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને ભારતીય સેનાના જવાનોના શૌર્યથી સફળ થયેલા “ઓપરેશન સિંદૂર”ની સ્મૃતિ લોકોમાં સદા જીવંત રાખવા ગુરૂવાર, પાંચમી જૂન 2025ના વિશ્વ પર્યાવરણ દિવસે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા મિશન 4 મિલિયન ટ્રીઝ—2025 અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સિંદૂર વન નિર્માણનો પ્રારંભ થશે.
આ હેતુસર, અમદાવાદ મહાનગરપાલિકાના ઉત્તર-પશ્ચિમ ઝોનના ચાંદલોડિયા વિસ્તારમાં જગતપુર બ્રિજ પાસેના પ્લોટમાં 5 હજાર ચોરસ મીટર જગ્યામાં સિંદૂરના 551 વૃક્ષોના સિંદૂર વન સહિત 12 હજાર વૃક્ષો સાથેનો ઓક્સિજન પાર્ક ઉભો કરવામાં આવશે. આ ઉપરાંત આગામી ગુરૂવારે વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, વન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ અને મહાનુભાવો ગાંધીનગરમાં નવા સચિવાલય પ્રાંગણમાં નિર્માણ થનારા માતૃવન – વન કવચમાં વૃક્ષારોપણ કરશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.