News Continuous Bureau | Mumbai
Maharashtra Politics મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાઓના પરિણામો બાદ શિવસેના (શિંદે જૂથ) માં મોટી ઉથલપાથલના સંકેતો મળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એકનાથ શિંદેએ ચૂંટણી પહેલા જે મંત્રીઓ અને ધારાસભ્યોને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપી હતી, તેમાંથી મોટાભાગના નેતાઓ અપેક્ષિત પરિણામો લાવવામાં નિષ્ફળ રહ્યા છે. થાણે અને કલ્યાણ-ડોમ્બિવલી જેવા ગઢને બાદ કરતા અન્ય જગ્યાએ પક્ષનો દેખાવ સાધારણ રહ્યો છે, જેને કારણે શિંદે ‘ભાખરી ફેરવવાની’ (મંત્રીમંડળમાં ફેરબદલ) તૈયારી કરી રહ્યા છે.આ ચૂંટણી શિવસેનાના મંત્રીઓ માટે એક ‘લિટમસ ટેસ્ટ’ સમાન હતી. જે મંત્રીઓ પોતાના વિસ્તારમાં પક્ષને જીતાડી શક્યા નથી, તેમના સ્થાને હવે નવા અને સક્રિય ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.
મુંબઈમાં શા માટે ખાધી પછડાટ?
મુંબઈ (BMC) માં શિંદે જૂથને માત્ર 29 બેઠકો મળી છે. વિશ્લેષકોના મતે તેના મુખ્ય કારણો આ મુજબ છે:
પરિવારવાદ: શિંદેએ ઘણા પૂર્વ ધારાસભ્યો અને સાંસદોના સંતાનોને ટિકિટ આપી હતી (જેમ કે સદા સરવણકરના પુત્ર, રવિન્દ્ર વાયકરની પુત્રી), પરંતુ તેમાંથી મોટાભાગના હારી ગયા.
બેઠકોની વહેંચણી: ભાજપે માત્ર 90 બેઠકો શિવસેનાને આપી હતી, જેમાં પણ વ્યૂહાત્મક રીતે ભાજપે પોતાનો ફાયદો જોયો હતો.
સ્થાનિક નારાજગી: પાયાના કાર્યકરોને બદલે નેતાઓના સગા-સંબંધીઓને પ્રાધાન્ય આપતા સ્થાનિક કાર્યકરોમાં નારાજગી હતી.
હોટલ તાજમાં ‘ગઠબંધન’ ની વ્યૂહરચના
નગરસેવકોમાં ફાટાફૂટ રોકવા માટે એકનાથ શિંદેએ પોતાના તમામ 29 વિજેતા નગરસેવકોને મુંબઈની હોટલ તાજમાં રાખ્યા છે. આજે પાલિકામાં શિવસેનાના ‘ગઠબંધન’ની સત્તાવાર નોંધણી કરવામાં આવશે. આ ગ્રુપ લીડર તરીકે યામિની જાદવ, તૃષ્ણા વિશ્વાસરાવ અથવા અમેય ઘોલે જેવા અનુભવી નેતાઓના નામની ચર્ચા છે. કાયદેસરની પ્રક્રિયા વહેલી પૂરી કરીને શિંદે પોતાના નગરસેવકોને સુરક્ષિત કરવા માંગે છે.
આ સમાચાર પણ વાંચો : Trump Gaza Peace Board: ગાઝા શાંતિ બોર્ડમાં પાકિસ્તાનની એન્ટ્રીથી ઇઝરાયેલ લાલઘૂમ! ટ્રમ્પના એક નિર્ણયથી મિત્ર દેશો કેમ થયા નારાજ? જાણો શું છે અસલી ગેમપ્લાન.
મંત્રીમંડળમાં કોનું પત્તું કપાશે?
રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે જે મંત્રીઓએ પાલિકા અને જિલ્લા પરિષદની ચૂંટણીમાં ખરાબ દેખાવ કર્યો છે, તેમને સંગઠનની જવાબદારી સોંપી દેવામાં આવશે. શિંદે આ વખતે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાના મૂડમાં નથી, કારણ કે આ ચૂંટણીના પરિણામો 2029 ની વિધાનસભા ચૂંટણી માટેનો પાયો માનવામાં આવે છે. આગામી થોડા દિવસોમાં મહારાષ્ટ્ર મંત્રીમંડળમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.