News Continuous Bureau | Mumbai
Eknath Shinde Health : મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેની તબિયત વધુ લથડી છે. તેમને થાણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં રાજ્યના નવા મુખ્યમંત્રીને લઈને સસ્પેન્સ વધુ વધી ગયું છે. મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેને થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શિંદે છેલ્લા અઠવાડિયાથી ગળામાં ઈન્ફેક્શન અને તાવથી પીડિત છે.
Eknath Shinde Health : ડોક્ટરોએ આપી આ સલાહ
તબીબોએ તેમના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ચેકઅપ કરાવવાની સલાહ આપી છે. તેમની તબિયતને લઈને પત્રકારોએ પૂછેલા પ્રશ્ન પર તેમણે કહ્યું કે, ‘સારું છે.’ શિવસેનાના નેતા શુક્રવારે બીમારીમાંથી સાજા થવા માટે તેમના વતન ગામ ગયા હતા અને 1 ડિસેમ્બરે મુંબઈ પાછા ફર્યા હતા. વાસ્તવમાં ગત 23 નવેમ્બરના રોજ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી, શિંદેની તબિયત બગડી હતી અને તેઓ તેમના ગામ ગયા હતા. વિરોધ પક્ષોનો દાવો છે કે શિંદે મુખ્યમંત્રી પદને લઈને નારાજ છે અને તેમની ખરાબ તબિયત એક બહાનું છે.
Eknath Shinde Health : ભાજપના નિરીક્ષકો મુંબઈ પહોંચશે
ભાજપના બંને કેન્દ્રીય નિરીક્ષકો વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણ આજે સાંજે જ મુંબઈ પહોંચી જશે. બંને નિરીક્ષકો આવતીકાલે એટલે કે 4 ડિસેમ્બરે ભાજપના ધારાસભ્યો સાથે બેઠક કરશે. આ બેઠકમાં ભાજપના ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવશે. ભાજપના નેતાઓનો દાવો છે કે આ વખતે મુખ્યમંત્રી ભાજપના જ હશે. દેવેન્દ્ર ફડણવીસ રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. જ્યારે એકનાથ શિંદેએ સીએમને લઈને પોતાના પત્તા ખોલ્યા નથી.
આ સમાચાર પણ વાંચો : ઇંતેજાર ખતમ! આજે બપોરે 3 વાગે એકનાથ શિંદેના નિવાસ સ્થાને યોજાશે મહાયુતિની બેઠક, મુખ્યમંત્રીના નામ પર લાગી શકે છે મોહર…
નવી સરકારનો શપથ ગ્રહણ 5 ડિસેમ્બરે થશે. મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકોમાંથી શિવસેના, ભાજપ અને અજિત પવારની એનસીપીએ 230 બેઠકો જીતી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) 132 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી, જ્યારે શિવસેનાને 57 અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ને 41 બેઠકો મળી.
Eknath Shinde Health : શપથ ગ્રહણની તૈયારી ચાલુ
દરમિયાન મહારાષ્ટ્રમાં નવી સરકારના શપથગ્રહણની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ મંગળવારે (3 ડિસેમ્બર) તૈયારીઓને લઈને એક બેઠક યોજી હતી. મહાયુતિના નેતાઓએ આઝાદ મેદાનનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન શિવસેના, ભાજપ અને એનસીપીના નેતાઓ હાજર રહ્યા હતા. ત્રણેય પક્ષોએ એકતા બતાવવાનો પ્રયાસ કર્યો હતો.