ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ફેબ્રુઆરી 2022
સોમવાર.
કોરોના પ્રતિબંધક નિયમોને કારણે વિધાનસભાની ચૂંટણીના પ્રચારને લઈને રાજ્કીય પક્ષોની ચિંતા વધી ગઈ છે ત્યારે તેમને ચૂંટણી પંચે રાહત આપી છે. દેશમાં કોરોનાના દર્દીની સંખ્યામાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે, તેને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે તે પાંચ રાજ્યોમાં પ્રચાર માટે કોરોનાના પ્રતિબંધો થોડા હળવા કર્યા છે.
ચૂંટણી પંચે ઈનડોર માટે 50 ટકા ક્ષમતા તો ખુલ્લા મેદાનમાં 30 ટકા ક્ષમતા સાથે ચૂંટણી પ્રચાર કરવાની મંજૂરી આપી છે. જોકે પદયાત્રા અને રોડ શો અને વાહનોની રેલી કાઢવા પર પ્રતિબંધ કાયમ રાખ્યો છે. ઘરે-ધરે જઈને પ્રચાર કરવા માટે વધુમા વધુ 20 લોકો સહભાગી થઈ શકશે. જોકે રાતના 8થી સવારના 8 વાગ્યા સુધી પ્રચાર પર પ્રતિબંધ કાયમ રહેશે.
કોરોના અને તેના વેરિયન્ય ઓમાઈક્રોનને કારણે તકેદારીના પગલારૂપે પાંચ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા હતા. જોકે હવે ચૂંટણી પંચે નિયંત્રણો હળવા કર્યા છે.
અહી ઉલ્લેખનીય છે કે આગામી દિવસમાં દેશમાં ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપૂર અને પંજાબ આ પાંચ રાજ્યોમાં ચૂંટણી થવાની છે.