ન્યુઝ ન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 જૂન 2021
મંગળવાર
એન્ટિલિયા વિસ્ફોટક કેસ અને મનસુખ હિરેન હત્યા કેસમાં મુંબઈ પોલીસના સસ્પેન્ડ અધિકારી સચિન વાઝેની ધરપકડ બાદ કેસમાં અનેક વળાંક આવ્યા. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ અનેક લોકોની ધરપકડ કરી હતી. જેમાં મુંબઈ પોલીસના સુનીલ માને, રિયાઝ કાઝી, સસ્પેન્ડ થયેલા કૉન્સ્ટેબલ વિનાયક શિંદે અને ત્યારનબાદ ભૂતપૂર્વ પોલીસ અધિકારી અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માનો સમાવેશ થાય છે. NIA દ્વારા ધરપકડ કરાયેલા પાંચેય પોલીસ અધિકારીઓ હવે તલોજા જેલમાં બંધ છે. પ્રદીપ શર્માને NIAની કસ્ટડીમાં મોકલી આપ્યો હતો, પરંતુ આજે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં રખાયો છે .
પેટ્રોલની વધતી કિંમતને કારણે લોકો ઈલેક્ટ્રીક વાહન તરફ ઢળ્યા.વેચાણ વધ્યું; જાણો વિગત
એન્ટિલિયા વિસ્ફોટ અને ત્યાર બાદ મનસુખ હિરેનની હત્યાના પગલે NIAએ તપાસ દરમિયાન મુંબઈ પોલીસ દળના API સચિન વાઝેની ધરપકડ કરી હતી. જોકે તપાસ આગળ વધતાં, ઘણાં નામ સામે આવ્યાં અને છેવટે ટોચનો કોપ ગણાતા પ્રદીપ શર્માની NIA દ્વારા ધરપકડ કરવામાં આવી. પ્રદીપ શર્માના નજીકના વિશ્વાસુ સંતોષ શેલાર અને તેના સાથી આનંદ જાધવને પણ આજે જ્યુડિશિયલ કસ્ટડીમાં રખાયા છે.
NIAએ અગાઉ કોર્ટમાં દાવો કર્યો હતો કે મનસુખ હિરેન હત્યા કેસમાં પ્રદીપ શર્મા અને સચિન વાઝે માસ્ટર માઇન્ડ હતા. NIAએ કોર્ટને જણાવ્યું હતું કે મનસુખ હિરેનની હત્યા તેમના સંગઠનના આધારે કરવામાં આવી હતી અને બદલામાં આરોપીઓને રોકડમાં રકમ ચૂકવવામાં આવી હતી.
આ કેસના તમામ આરોપીઓ હાલ તલોજા જેલમાં બંધ છે. જેમાં સચિન વાઝે, રિયાઝ કાઝી, સુનીલ માને, વિનાયક શિંદે, નરેશ ગોરનો સમાવેશ થાય છે અને આજે પ્રદીપ શર્મા, સંતોષ શેલાર અને આનંદ જાધવને તલોજા મોકલવામાં આવ્યા છે. NIAએ હવે માત્ર મનીષ સોની અને સતીશ મુથેકરીની કસ્ટડી 1 જુલાઈ સુધી લંબાવી છે. NIAનું કહેવું છે કે એ હજી પણ આ બંને પાસેથી મહત્ત્વપૂર્ણ માહિતી મેળવી શકે છે.