ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩ જુલાઈ ૨૦૨૧
શનિવાર
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખે આતંકવાદી કસાબને મળેલા કાયદાકીય ફાયદા હાઈકોર્ટને ગણાવ્યા છે. દેશમુખે શુક્રવારે હાઈ કોર્ટને પોતના નિવેદનમાં ભ્રષ્ટાચારના આરોપ અંગે તેમના વિરુદ્ધ ચાલી રહેલી CBIની તપાસને ગેરકાયદે અને કાનૂની પ્રક્રિયાઓનું ઉલ્લંઘન હોવાનું જણાવ્યું હતું. આ સાથે તેમણે ટાંક્યું હતું કે 26/11ના આતંકવાદી કસાબને પણ કાયદાનો લાભ મળ્યો હતો.
દેશમુખના વકીલ અમિત દેસાઈએ કોર્ટને જણાવ્યું હતું કે એપ્રિલમાં હાઈ કોર્ટના પહેલા આદેશ બાદ CBIએ તપાસ હાથ ધરી હતી, પરંતુ આ નેતા રાજ્યમાં પ્રધાનપદે હોવા છતાં તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા મહારાષ્ટ્ર સરકારની પરવાનગી લેવામાં આવી ન હતી. મંજૂરી લીધા વિના દેશમુખ વિરુદ્ધ થયેલી કાર્યવાહી ગેરકાયદે હોવાનું કોર્ટને જણાવ્યું હતું. તપાસની મંજૂરી માટે રાજ્યનો સંપર્ક ન કરાયો હોવાથી દેસાઈએ આવું નિવેદન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ત્યાર બાદ કોર્ટમાં દેશમુખે નિવેદન આપતાં કહ્યું હતું કે અમે લાગણીમાં વહી શકીએ છીએ પણ કાયદાની પ્રક્રિયાને નેવે મૂકી શકતા નથી. કસાબ જેવી વ્યક્તિને પણ આ દેશની કાનૂનવ્યવસ્થાનો લાભ મળ્યો હતો. આ દેશમાં તમામ લોકોને કાનૂની પ્રક્રિયાનો લાભ મળે છે.