ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઑગસ્ટ, 2021
ગુરુવાર
અયોધ્યા માટે આજનો દિવસ ઐતિહાસિક છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 5 ઑગસ્ટ, 2020ના રોજ પોતાના હાથે રામ મંદિરની આધારશિલા રાખી હતી. એ ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. એના અનુસંધાને રામજન્મભૂમિ પરિસરમાં ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવી રહ્યાં છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ આ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે અયોધ્યા પહોંચી રહ્યા છે. યોગી અયોધ્યામાં રામ લલ્લાની ભવ્ય આરતી કરશે. આ સાથે તેઓ હનુમાનગઢી જઈને પ્રાર્થના પણ કરશે. આ પછી યોગી રામમંદિર નિર્માણકાર્યની પ્રગતિનો પણ અભ્યાસ કરશે.
આ પ્રસંગે મુખ્ય પ્રધાન યોગીએ એક ટ્વીટ પણ કર્યું હતું. ટ્વીટમાં તેમણે લખ્યું છે કે ભગવાન શ્રીરામના પવિત્ર જન્મસ્થળ, શ્રી અયોધ્યાજી, ભારતની સંપૂર્ણ શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ અને દરેકની આરાધના, ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણ માટે ભૂમિ-પૂજાની પ્રથમ વર્ષગાંઠ પર સૌને અભિનંદન! ભગવાન શ્રીરામના આશીર્વાદ દરેકની સાથે રહે. જય શ્રીરામ!

રામ લલ્લાએ આજે પીળા રંગના સિલ્ક હૅન્ડલૂમમાંથી બનેલાં વસ્ત્રો ધારણ કર્યાં છે. રામ લલ્લાએ પોતાના ભાઈઓ સાથે પીળાં વસ્ત્રો ધારણ કર્યાં છે. આ વસ્ત્ર દિલ્હીના ખાદી ડિઝાઇનર મનીષ ત્રિપાઠીએ તૈયાર કર્યાં છે. આ વસ્ત્ર પર શ્રદ્ધાભાવ સાથે ભરતકામ કરવામાં આવ્યું છે. ખાદી ડિઝાઇનર મનીષે જણાવ્યું હતું કે પ્રભુ માટે દિવસ અનુસાર કપડાં તૈયાર કરવામાં આવ્યાં છે. ભગવાન સોમવારે સફેદ, મંગળવારે લાલ, બુધવારે લીલાં, ગુરુવારે પીળાં, શુક્રવારે ક્રીમ, શનિવારે વાદળી અને રવિવારે ગુલાબી રંગનાં કપડાં પહેરે છે.
આ ઐતિહાસિક અવસરે રામજન્મભૂમિ પરિસરમાં રામ લલ્લાના કામચલાઉ ભવનને રંગબેરંગી ફૂલો વડે શણગારવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અયોધ્યાના રહેવાસીઓ તેમના ઘરની સામે દીવો પ્રગટાવીને ખુશી વ્યક્ત કરશે. આજે રામનગરી અયોધ્યા અને મંદિર પરિસરમાં અનેક કાર્યક્રમો યોજાશે. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે સામેલ થશે. ઉપરાંત વડા પ્રધાન મોદી કેટલીક મોટી જાહેરાત કરે એવી પણ શક્યતા છે.
જય શ્રી રામ! રામ ભક્તો માટે મોટા સમાચાર, આ વર્ષ સુધીમાં કરી શકશો રામલલાના દર્શન