ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૨ જુલાઈ, ૨૦૨૧
સોમવાર
મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ગઈકાલથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. હવે આ મુશળધાર વરસાદને કારણે અમુક જિલ્લાઓમાં દૈનિક ગતિવિધિઓ ખોરવાઈ ગઈ છે, તો અમુક જિલ્લાઓ એવા પણ છે જ્યાં હવે પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. રત્નાગિરિ, પરભણી, ઔરંગાબાદ, ઉસ્માનાબાદ, બીડ, અકોલા, નાંદેડ, સિંધુદુર્ગ અને મુરડ સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે.
રત્નાગિરિના રાજપુર શહેરના વિસ્તારમાં લગભગ ૧૫ ફૂટ જેટલાં પાણી ભરાઈ ગયાં છે. મુરડમાં સૌથી વધુ ૩૪૮ મિમી વરસાદ પડ્યો છે. કણકવતી જિલ્લાના ખારાપાટણમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે, ત્યાંના ઘણા વિસ્તારોમાં પાંચ ફૂટ જેટલાં પાણી ભરાઈ ગયાં છે. સિંધુદુર્ગમાં તિલારી, સુખનદી અને નિર્મલાનદીમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે.
પરભણી જિલ્લામાં ભારે વરસાદને કારણે ગોદાવરી પરના ત્રણ ઉચ્ચ સ્તરીય ડેમ ઓવરફ્લો થયા છે. ધાલેગાંવ ડેમના બે દરવાજા, તરુગાવન ડેમના બે અને પથરીના મુદગલ ડેમના એક દરવાજા દ્વારા ગોદાવરી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે,એથીગોદાવરી નદી ભરાઈ રહી છે. વહીવટી તંત્રે ગોદાવરીના કાંઠે વસેલાં ગામોને તકેદારીના આદેશ જાહેર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં પરભણી જિલ્લામાં 232 મિમી વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેતરો, મકાનો, દુકાન વગેરેને ખૂબ નુકસાન થયું છે. ઉપરાંત અહીં ૧૫ વર્ષમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે.