News Continuous Bureau | Mumbai
Delhi Pollution દેશની રાજધાની દિલ્હીમાં શનિવારે (૨૦ ડિસેમ્બર) સવારે ગાઢ ધુમ્મસ અને ઝેરી પ્રદૂષણનું બેવડું સંકટ જોવા મળ્યું છે. ઓછી વિઝિબિલિટીના કારણે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર ૧૨૯ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ૪૦૦ને પાર કરી ગયો છે, જે ‘ગંભીર’ શ્રેણીમાં આવે છે.
એરપોર્ટ પર હજારો મુસાફરો અટવાયા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે હવાઈ મુસાફરી પર અત્યંત માઠી અસર પડી રહી છે. અત્યાર સુધીમાં કુલ 129 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે, જેમાં 66 આવનારી (અરાઈવલ) અને 63 જનારી (ડિપાર્ચર) ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. રનવે પર વિઝિબિલિટી શૂન્યની નજીક પહોંચી જતાં સુરક્ષાના કારણોસર અનેક ફ્લાઈટ્સને નજીકના અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવાની ફરજ પડી છે, જ્યારે સેંકડો ફ્લાઈટ્સ કલાકો મોડી દોડી રહી છે. એરપોર્ટ મેનેજમેન્ટે મુસાફરોની સુવિધા માટે એલર્ટ જારી કર્યું છે અને અપીલ કરી છે કે એરપોર્ટ પર પહોંચતા પહેલા સંબંધિત એરલાઈન્સ પાસેથી ફ્લાઈટના લાઈવ સ્ટેટસની જાણકારી મેળવી લેવી
દિલ્હીની હવા બની ‘ઝેરી’
બીજી તરફ, દિલ્હીની હવા વધુ ‘ઝેરી’ બની રહી છે અને પ્રદૂષણના આંકડા ચિંતાજનક સ્તરે પહોંચી ગયા છે. આનંદ વિહાર (434), આઈટીઓ (437) અને વિવેક વિહાર (435) જેવા હોટસ્પોટ વિસ્તારોમાં AQI રેકોર્ડબ્રેક સ્તરે નોંધાયો છે. આ ઉપરાંત રોહિણી, જહાંગીરપુરી અને પંજાબી બાગમાં પણ હવાની ગુણવત્તા શ્વાસ લેવા લાયક રહી નથી. સામાન્ય રીતે 300 થી ઉપરનો AQI ‘ખૂબ જ ખરાબ’ ગણાય છે, પરંતુ 400 ને પાર કરી જતાં તે ‘ગંભીર’ (Severe) શ્રેણીમાં આવી જાય છે, જે ફેફસાં અને હૃદયના રોગો ધરાવતા લોકો તેમજ બાળકો માટે અત્યંત જીવલેણ સાબિત થઈ શકે છે.
વિઝિબિલિટીમાં મોટો ઘટાડો
વાતાવરણમાં છવાયેલા ગાઢ ધુમ્મસને કારણે દિલ્હીનું જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. સફદરજંગ હવામાન મથકે વિઝિબિલિટી (દૃશ્યતા) ઘટીને માત્ર ૨૦૦ મીટર રેકોર્ડ કરવામાં આવી હતી, જ્યારે પાલમ વિસ્તારમાં પણ આ આંકડો ૩૫૦ મીટરની આસપાસ રહ્યો હતો. રસ્તાઓ પર વિઝિબિલિટી ઓછી હોવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિક પોલીસે અકસ્માત ટાળવા માટે વાહન ચાલકોને દિવસ દરમિયાન પણ હેડલાઈટ ચાલુ રાખવા અને વાહનની ગતિ ધીમી રાખવા માટે કડક સૂચના આપી છે.
આ સમાચાર પણ વાંચો :Maharashtra Municipal Election: સ્થાનિક સ્વરાજ્યની કસોટી: ૨૩ નગર પરિષદો માટે આજે મતદાન, કોનું પલડું રહેશે ભારે? આવતીકાલે ફેંસલો
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, આગામી કેટલાક દિવસો સુધી દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ યથાવત રહી શકે છે. પવનની ગતિ ઓછી હોવાને કારણે પ્રદૂષણના કણો હવામાં જ જમા થઈ રહ્યા છે, જેના કારણે ‘સ્મોગ’ (ધુમ્મસ + ધુમાડો) ની સ્થિતિ બની છે. લોકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા અને માસ્કનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.