News Continuous Bureau | Mumbai
Food Processing unit : શું તમે નાના ફુડ પ્રોસેસિંગ ઉદ્યોગ સાથે સંલગ્ન છો? અથવા, શું તમે પોતાનું નવું ફુડ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરવાનું વિચારી રહ્યા છો? તો તમારા માટે ખુશખબરી છે.. ભારત સરકારની ફુડ મિનીસ્ટ્રી દ્વારા ગુજરાત સહિત સમગ્ર દેશમાં “પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ સ્કીમ (PMFME)” અમલમાં મૂકવામાં આવી છે.
આ યોજના અંતર્ગત બેંકમાંથી કોઇ પણ કોલેટરલ(ગેરંટી) વગર રૂ.૧ કરોડ સુધીની લોન મળી શકે છે અને મંજૂર થયેલ પ્રોજેક્ટ કિમતની ૩૫% સબસિડી જે મહત્તમ રૂ. ૧૦ લાખની મર્યાદામાં મળી શકે છે. પ્રોજેક્ટ તૈયાર કરી જિલ્લા કક્ષાએ નિમણુંક કરેલ ડી.આર.પી.નો સંપર્ક કરી રજૂ કરી શકો છો. પ્રોજેક્ટ તૈયાર કરવાથી લઇ ઓનલાઇન અરજી સુધી ડી.આર.પી. દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. યોજના થકી હાલ કાર્યરત મુલ્યવર્ધનના ઉદ્યોગને વધારી પણ શકો અને નવા ઉદ્યોગ સાહસિકો પોતાનો નવો ઉદ્યોગ ચાલુ પણ કરી શકે છે. નાના ફુડ પ્રોસેસિંગ ઉદ્યોગો જેવા કે, અથાણું, પાપડ, ખાખરા, ફળના જ્યુસ, ચિપ્સ, કેન્ડી વગેરે ઉભા થવાથી શાકભાજી અને ફળોના બગાડને અટકાવી શકાય છે અને ખેડૂતોને વધુ ભાવ મળી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Digital SevaSetu : ડિજિટલ સેવાસેતુ: ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ ક્રાંતિની દિશામાં મહત્વનું પગલું, 2 વર્ષમાં ગ્રામ પંચાયતોમાંથી 61 લાખથી વધુ લોકોએ સરકારી સેવાઓનો લાભ લીધો
સુરત જિલ્લાની માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, બાગાયત ભવન, લાલ બંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઇન્સ ખાતે ટેલીફોનિક અથવા રૂબરૂ મળી માહિતી મેળવી શકાશે. વધુ માહિતી માટે બાગાયત અધિકારી પરિક્ષિત પી.ચૌધરી (મો. ૭૬૫૪૮ ૪૮૫૭૬)નો સંપર્ક કરી શકાશે એમ નાયબ બાગાયત નિયામક-સુરતની યાદીમાં જણાવવાયું છે.