ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ફેબ્રુઆરી 2022
બુધવાર.
નિલંબિત પોલીસ અધિકારી સચિન વાઝે અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખનો મની લોન્ડરિંગ કેસ મહાવિકાસ આઘાડી સરકારની મુશ્કેલીઓમાં વધારો કરે તેવી શક્યતા છે. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે ED સમક્ષ ચોંકાવનારી કબૂલાત કરી છે કે મુંબઈ પોલીસ દળમાં સચિન વાઝેને ફરીથી નિયુક્ત કરવાનું દબાણ હતું. આ માટે તત્કાલિન ગૃહમંત્રી અનિલ દેશમુખ દબાણ લાવતા હતા. આ ઉપરાંત, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ સ્પષ્ટ સૂચનાઓ આપી હોવાનું પણ પરમબીર સિંહે EDને કહ્યું છે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર અનિલ પરબ જાતે ટ્રાન્સફરની યાદી લાવતા હોવાની કબૂલાત પણ પરમવીર સિંહે કરી છે. ED દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં આ માહિતી સામે આવી છે.
અનિલ દેશમુખ મની લોન્ડરિંગ કેસમાં EDએ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહનો જવાબ નોંધ્યો હતો. સચિન વાઝે પોલીસ દળમાં ફરી જોડાવા અંગે પૂછપરછ કરવામાં આવી હતી. તેનો જવાબ આપતાં પરમબીરે ચોંકાવનારી માહિતી આપી. સચિન વાઝે જૂન 2020 માં પોલીસ દળમાં પુનઃસ્થાપિત થયા હતા. પોલીસ દળમાં સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારીઓની ભરતી અંગે નિર્ણય લેવા બેઠક યોજાઈ હતી. તેમાં પોલીસ કમિશનર, જોઈન્ટ કમિશનર અને કેટલાક અધિકારીઓનો સમાવેશ થતો હતો. તે તમામ સંબંધિત સમિતિના સભ્યો હતા.
મીટિંગ દરમિયાન તત્કાલિન ગૃહમંત્રી અનિલ દેશમુખ સચિન વાઝેની નિમણૂક કરવા માટે દબાણ લાવ્યા હતા. તે ઉપરાંત, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેની સીધી સૂચનાઓ હોવાનું પણ પરમબીરે EDને જણાવ્યું હતું.
સચિન વાઝે પોલીસ દળમાં પુનઃ નિમણૂક થયા બાદ તેને ક્રાઈમ બ્રાન્ચમાં નિયુક્ત કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. તે સિવાય તેમને કેટલીક મહત્વની જવાબદારીઓ આપવા માટે કહેવામાં આવ્યું હતું. સચિન વાઝેને CIUની જવાબદારી સોંપવામાં આવી હતી. CIU દ્વારા કેટલાક મહત્વપૂર્ણ કેસોની તપાસ કરવામાં આવી રહી હતી. મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાને વાઝેને તપાસ સોંપવા કહ્યું હોવાનું પણ પરમબીર સિંહે EDને જણાવ્યું છે. મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાન સચિન વાઝેને સીધા જ ફોન કરીને આ મહત્ત્વના મુદ્દાઓ અંગે પૂછપરછ કરતા હતા.
પોલીસ કમિશનર મુંબઈ પોલીસ દળમાં બદલી માટેની સમિતિના અધ્યક્ષ છે. કમિટી પીએસઆઈથી ડીસીપી કક્ષાના અધિકારીઓની બદલી અંગે નિર્ણય લે છે. ગૃહ મંત્રાલયમાં મુંબઈ પોલીસ હેઠળની બદલીઓની યાદી પણ તૈયાર કરવામાં આવી હતી. આ યાદી મને ગૃહમંત્રી અનિલ દેશમુખે ઘણી વખત આપી હતી. તેમના અંગત સચિવ સંજીવ પલાંડે અથવા તેમના ઓએસડી રવિ વ્હીટકરે પણ ઘણી વખત આપ્યા હતા. ટ્રાન્સફરની યાદી શિવસેનાના નેતા અને પરિવહન મંત્રી અનિલ પરબ દ્વારા આપવામાં આવી હતી, એવી ચોંકાવનારી કબૂલાત પણ પરમબીર સિંહે કરી છે.