ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 સપ્ટેમ્બર 2021
બુધવાર
મહારાષ્ટ્રમાં પૂરા 168 દિવસ સુધી 2,64,76,319 લોકોને મફતમાં શિવભોજન થાળી આપવામાં આવી હતી. એટલે કે ગરીબ લોકોને કોરોના કાળમાં રાજય સરકાર દ્વારા બપોરના એક વખત મફતમાં ભોજન આપવામાં આવતું હતું. ગુરુવાર 30 સપ્ટેમ્બરથી મફતમાં શિવભોજન થાળી આપવાનું બંધ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. તેથી પહેલી ઓક્ટોબરથી મૂળ યોજના મુજબ શિવભોજન થાળી માટે લોકોએ 10 રૂપિયા ખર્ચવા પડશે.
કોરોના કાળમાં અનેક લોકોએ રોજગારી ગુમાવી હતી. અનેક ગરીબ અને રસ્તા પર રહેનારા લોકોને ખાવાના ફાંફા પડી ગયા હતા. આવા સમયે રાજય સરકારે 15 એપ્રિલથી લોકોને શિવથાળી હેઠળ મફત ભોજન આપવાનું ચાલુ કર્યું હતું. શરૂઆતમાં આ યોજના ફકત એક મહિના માટે હતી. જોકે લોકો તરફથી મળેલા પ્રતિસાદને કારણે એક-એક મહિનો કરીને આ યોજના પાંચ મહિના સુધી લંબાઈ ગઈ હતી. હવે પહેલી ઓક્ટોબરથી નાગરિકોએ શિવથાળી માટે 10 રૂપિયા ચૂકવવા પડશે.
સરકારે મફતમાં ભોજન આપવા પાછળ લગભગ 105 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે. મહાવિકાસ આઘાડીની સરકારે સત્તામાં આવ્યા બાદ 26 જાન્યુઆરી 2020થી શિવથાળી યોજના અમલમાં મૂકી હતી. દસ રૂપિયામાં મળતી જમવાની થાળી પાછળ ગ્રામીણ વિસ્તારમાં 30 રૂપિયા તો શહેરી વિસ્તારમાં 45 રૂપિયાની ગ્રાન્ટ સરકાર આપતી હતી. કોરોનાની પહેલી લહેર દરમિયાન આ થાળીના પાંચ રૂપિયા હતા. કોરોનાની બીજી લહેર દરમિયાન તે સંપૂર્ણપણે મફતમાં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.