News Continuous Bureau | Mumbai
Fuel Hoarding in Maharashtra। મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને વિદર્ભ અને મરાઠવાડા વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલની ભારે અછત હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ખેડૂતો અને સામાન્ય નાગરિકોને ઇંધણ માટે પેટ્રોલ પંપ પર લાંબી કતારો લગાવવી પડી રહી છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) એ રાજ્ય કેબિનેટની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ કેટલાક તત્વો દ્વારા કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી રહી છે. સીએમ ફડણવીસે ઇંધણની સંગ્રહખોરી અને કાળાબજાર કરનારાઓ વિરૂદ્ધ કડક કાનૂની પગલાં લેવા માટે પુરવઠા વિભાગ અને ગૃહ વિભાગને સંયુક્ત આદેશ આપ્યા છે.
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની માંગમાં રેકોર્ડબ્રેક વધારો
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આંકડાકીય માહિતી આપતાં જણાવ્યું કે, હાલમાં મહારાષ્ટ્રમાં પેટ્રોલની સરેરાશ માંગમાં ૨૩ ટકા અને ડીઝલની માંગમાં ૫૨ ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે. વિદર્ભના અકોલા જિલ્લામાં તો સામાન્ય દિવસો કરતાં ૧૫૪ ટકાથી પણ વધુ ઇંધણનો પુરવઠો (સપ્લાય) પૂરો પાડવામાં આવી રહ્યો છે. આટલા મોટા પ્રમાણમાં ઇંધણ આપવા છતાં પણ બજારમાં ટંચાઈ જેવી સ્થિતિ ઊભી થઈ રહી છે, જે સામાન્ય નથી. આનાથી સ્પષ્ટ થાય છે કે ઇંધણનો ગેરકાયદેસર સંગ્રહ કરવામાં આવી રહ્યો છે અને સામાન્ય જનતાને હેરાન કરવામાં આવી રહી છે, જેને સરકાર ચલાવી લેશે નહીં.
સામાન્ય ઇંધણ કમર્શિયલ ઉપયોગ તરફ ડાયવર્ટ કરાતું હોવાની શંકા
મુખ્યમંત્રીએ ખેડૂતોની ચિંતા કરતાં જણાવ્યું કે, “અમારો મુખ્ય હેતુ ખેડૂતોને ખેતીકામ માટે સમયસર ડીઝલ મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. પરંતુ કેટલાક લોકો આ સ્થિતિનો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા છે. બજારમાં વ્યાપારી (કમર્શિયલ) ઉપયોગ માટેના મોંઘા ઇંધણની માંગ અચાનક ઓછી થઈ ગઈ છે. તેથી અમને એવી આશંકા છે કે સરકારી સબસિડીવાળું સામાન્ય પેટ્રોલ અને ડીઝલ ગેરકાયદેસર રીતે વ્યાપારી હેતુઓ માટે ડાયવર્ટ (ટ્રાન્સફર) કરવામાં આવી રહ્યું છે. ગૃહ વિભાગ આ ફંડ અને સપ્લાય ચેઈનની ઝીણવટભરી તપાસ કરી રહ્યું છે.”
ડુંગળીના ભાવ પર કેન્દ્ર સરકાર સાથે મહત્ત્વની બેઠક
ઇંધણ ઉપરાંત મુખ્યમંત્રીએ મહારાષ્ટ્રના ખેડૂતો માટે અત્યંત મહત્વના ગણાતા ડુંગળીના (ઓનિયન) ભાવો પર પણ મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે ડુંગળીની ખરીદીના ભાવ સાડા ત્રણ રૂપિયા વધારીને ૧૫ રૂપિયા કર્યા છે. ભાવ નક્કી કરવા અંગે બુધવારે દિલ્હી ખાતે કેન્દ્ર સરકાર સાથે મહાયુતિ સરકારની એક હાઈ-વોલ્ટેજ બેઠક પણ યોજાવાની છે. આ મુદ્દે રાજકારણ રમી રહેલા વિરોધ પક્ષો પર પ્રહાર કરતાં સીએમ ફડણવીસે કહ્યું કે, વિપક્ષ માત્ર ‘ફોટો ઓપોર્ચ્યુનિટી’ શોધી રહ્યો છે અને ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રણિતી શિંદે દ્વારા કરવામાં આવેલી ટીકા અંગે તેમણે વળતો પ્રહાર કર્યો કે, જેઓ પહેલીવાર સાંસદ બન્યા છે તેમણે દેશના પદોની ગરિમા જાળવીને બોલવું જોઈએ, નહીંતર જનતા જ તેમને તેમની સાચી જગ્યા બતાવી દેશે.