News Continuous Bureau | Mumbai
• ભૂકંપ, ભેજ, આગ જેવી વિવિધ પરિસ્થિતિ સામે ટક્કર ઝીલી શકે તે પ્રકારના નંદઘરો માત્ર ૬૦ દિવસમાં તૈયાર થશે
• આંગણવાડીનું સ્ટ્રક્ચર ૧૦૦% રિસાયકલેબલ જ્યારે ૧% કરતાં ઓછો વેસ્ટ
LGSF Technology: આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે અને તેના જીવન ઘડતરનો મજબૂત પાયો નાખવાનું કામ આંગણવાડી કેન્દ્રો કરે છે. દેશનું ભવિષ્ય જ્યાંથી નિર્માણ પામે છે, તેવા આંગણવાડી કેન્દ્રોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ઇકોફ્રેન્ડલી બનાવીને પાયાની તમામ સુવિધાઓથી સુસજ્જ કરાવવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે. બાળકોના ઘડતરમાં કોઈપણ પ્રકારની કચાસ ન રહે તે માટે રાજ્ય સરકાર નિરંતર પ્રયાસ કરી રહી છે, તેના પરિણામે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ રાજ્યમાં બિનપરંપરાગત પદ્ધતિનો ઉપયોગ કરી GSPCના CSR ભંડોળ હેઠળ LGSF- લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ જેવી અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી ૬૦૭ જેટલા આંગણવાડી કેન્દ્રો અને નંદઘર બનાવવાની જાહેરાત કરી છે.
LGSF Technology: લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેક્નોલોજીમાં બાંધકામની મોડ્યુલર ડિઝાઇન બનાવી પાયલોટ ટેસ્ટીંગ કરાય છે. મોડ્યુલર ડિઝાઇન ફાઇનલ થયા પછી તેના વિવિધ સ્ટીલ ફ્રેમ પાર્ટનું નિર્માણ સેન્ટ્રલ વર્કશોપમાં કરાય છે. આ અદ્યતન ટેકનોલોજીથી ભૂકંપ, ભેજ, આગ જેવી વિવિધ પરિસ્થિતિ સામે ટક્કર ઝીલી શકે તે પ્રકારના નંદઘરો માત્ર ૬૦ દિવસમાં જ નિર્માણ પામશે. રાજ્યના દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારમાં LGSF ટેક્નોલોજીનો વપરાશ કરી વધુ ઝડપથી અને ગુણવત્તા યુક્ત આંગણવાડી કેન્દ્રનું નિર્માણ સરળતાથી થઇ શકશે. આ આંગણવાડી કેન્દ્રમાં તમામ માળખાકીય સુવિધા જેવી કે, શૌચાલય, પીવાનું પાણી, મોડ્યુલર ફર્નિચર, વોટર પ્યુરિફાયર, LED TV, હેલ્થ ચેકિંગ બેડ, ટેબલ, ખુરશી વગેરે અદ્યતન સંસાધનોનો સમાવેશ કરાયો છે.
આ સમાચાર પણ વાંચો: Dahod Smart City: દાહોદ શહેરને સ્માર્ટ સીટી તરીકે વિકસાવવાનો કાર્યક્રમ શરૂ, ભારત સરકારે કુલ આટલા કરોડની રિનોવેશન ફંડ રજુ કરશે
LGSF Technology: આ ટેક્નોલોજીની મદદથી આંગણવાડી બનવાથી ઓન સાઇટ અને ઓફ સાઇટ ઝડપથી સ્ટિલ ફ્રેમ સ્ટ્રકચર બનાવી તેને ઝડપથી ઇન્સ્ટોલ કરી શકાશે. જેમાં પરંપરાગત બાંધકામ પદ્ધતિ કરતા ઝડપથી કામ પૂર્ણ થશે. આ પ્રકારની આંગણવાડીમાં ૧ ટકા કરતાં પણ ઓછો વેસ્ટ થશે તે પણ ૧૦૦ ટકા રિસાયકલેબલ બનશે. આંગણવાડી બાંધકામ માટેના વૈકલ્પિક વિક્લ્પ તરીકે બિનપરંપરાગત પદ્ધતિ ઉપયોગ કરી GSPCના CSR ભંડોળ હેઠળ LGSF- લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેક્નોલોજીનો વપરાશ કરી ૬૦૭ આંગણવાડી કેન્દ્રનું બાંધકામ કરવા માટેની પહેલ હાથ ધરાઈ છે. હાલ રાજ્યમાં અંદાજે ૫૩ હજાર જેટલી આંગણવાડી કાર્યરત છે, જેમાં ૪૫ લાખથી વધુ બાળકો, મહિલા તેમજ ધાત્રી મહિલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ મળી રહ્યો છે. બાળકોને ગુણવત્તાયુક્ત પોષણ અને શિક્ષણ આપી આપણે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનો નિર્માણ કરીશું.
ઋચા રાવલ
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed
