ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
29 ડિસેમ્બર 2020
ગુજરાત ભાજપમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ના રાજકારણમાં ફરી ભૂકંપ આવ્યો છે એમ કહી શકાય. ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ રાજીનામું આપ્યું છે. વસાવાએ પત્ર લખી પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને રાજીનામું મોકલ્યું છે.
તેઓએ પક્ષમાં વફાદારીથી કામ કરવા છતાં કેટલીક ભૂલોને લઈ પક્ષને નુકસાન ન પહોંચે તે કારણસર રાજીનામું સોંપ્યું છે એમ જણાવ્યું છે. તેમજ આગામી બજેટ સત્રમાં લોકસભા પદેથી પણ રાજીનામું આપવાનો ઉલ્લેખ કર્યો છે. આનાથી રાજકિય વર્તુળોમાં આ મામલે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે.
બીજીબાજુ ગાંધીનગર કમલમ ખાતે વસાવાને મનાવવા માટે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે રાજીનામું આપ્યા બાદ મનસુખ વસાવા પણ કમલમ્ પહોંચ્યા છે. હાલમાં સી. આર પાટીલ અને મનસુખ વસાવા વચ્ચે ચર્ચા ચાલી રહી છે.
સુત્રો મુજબ કેન્દ્ર સરકારની 121 ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવેશ પર વસાવાની નારાજગી હતી, જેથી રાજીનામું આપ્યું છે. તેમની નારાજગી દૂર કરી દઈશું. એમ ભાજપના નેતાઓ આશ્વાસન આપી રહયાં છે.
