News Continuous Bureau | Mumbai
Gujarat Civil Aviation :
ગુજરાતમાં ૪ આંતરરાષ્ટ્રીય અને ૧૫ ડોમેસ્ટિક એમ કુલ ૧૯ એરપોર્ટ કાર્યરત
રૂ. ૩,૪૦૦ કરોડના ખર્ચે સુરત ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તેમજ રૂ. ૧,૪૦૫ કરોડના ખર્ચે રાજકોટમાં હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ
તબીબી હેતુસર અત્યાર સુધીમાં ૨૯ ઓર્ગન તથા ૨૯ મેડિકલ ફ્લાઈટ એમ કુલ ૫૮ એર-એમ્બ્યુલન્સ ફ્લાઇટ ઓપરેટ
મહેસાણા એરસ્ટ્રીપ ખાતે ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશનમાં તાલીમ બાદ ૧૫૫ યુવાનોએ કોમર્શિયલ પાયલટનું લાયસન્સ મેળવ્યું
કેન્દ્ર સરકારની ‘ઉડાન યોજના’ અંતર્ગત રાજ્યમાં વિવિધ ૦૭ ફ્લાઇટ સેવારત
રાજ્યમાં સૌપ્રથમ વર્ષ ૧૯૭૩થી શેરડી, કપાસ જેવા વિવિધ પાક પર હેલિકોપ્ટર-ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટ દ્વારા હવાઈ છંટકાવની સાથે વિમાન દ્વારા ક્લાઉડ સીડિંગ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે આજે ‘નાગરિક ઉડ્ડયન’ વિભાગ તરીકે કાર્યરત છે. આ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪માં આંતરરાષ્ટ્રીય અને આંતરિક હવાઈ મથકોથી અંદાજે ૧.૪૩ લાખ જેટલા વિમાનોએ આવન-જાવન કરી છે. આ સેવાઓ દ્વારા રાજ્યમાં ડિસેમ્બર–૨૦૨૪ સુધીમાં કુલ ૧.૭૦ કરોડ કરતાં વધુ યાત્રિકોએ સફળ હવાઈ મુસાફરી કરી છે. આ ઉપરાંત અંદાજે ૧૦૯.૯ હજાર ટન માલસામાનની પણ હવાઈ માર્ગે હેરફેર કરવામાં આવી હતી.
રાજ્યના નાગરિકોને આપાતકાલિન પરિસ્થિતિમાં ખૂબ ઝડપી તબીબી સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ લાયકાત ધરાવતા ડૉક્ટર અને આઈ.સી.યુ. સુવિધાઓ સાથે એર-એમ્બ્યુલન્સ સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં કુલ ૫૮ એર-એમ્બ્યુલન્સ ફ્લાઇટ કરવામાં આવી હતી, જેમાં ૨૯ ઓર્ગન તથા ૨૯ મેડિકલ ફ્લાઈટ ઓપરેટ કરવાનો સમાવેશ થાય છે.
હાલમાં ગુજરાતમાં ૦૪ આંતરરાષ્ટ્રીય અને ૧૫ ડોમેસ્ટિક એરપોર્ટ મળી કુલ ૧૯ એરપોર્ટ સેવારત છે. જેમાં
રૂ. ૩,૪૦૦ કરોડના ખર્ચે સુરત ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તેમજ રૂ. ૩૯૪ કરોડના ખર્ચે ડિસામાં એરફોર્સ સ્ટેશનના રન-વેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રૂ. ૧,૪૦૫ કરોડના ખર્ચે રાજકોટમાં હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં દેશના મોટાભાગના રાજ્યોની તુલનામાં ગુજરાતમાં નાગરિક ઉડ્ડયનનું માળખું ખૂબ મજબૂત છે. રાજ્યમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ( Airport Authority Of India ) ના ૦૯ એરપોર્ટ, ઇન્ડિયન એરફોર્સના ૦૩, રાજ્ય સરકાર હસ્તક ૦૪ તથા ૦૩ ખાનગી એરપોર્ટ મળી ૦૪ આંતરરાષ્ટ્રીય અને ૧૫ ડોમેસ્ટિક એરપોર્ટ એમ કુલ ૧૯ એરપોર્ટ કાર્યરત છે. આ ઉપરાંત રાજ્ય સરકારના અધિકારક્ષેત્ર હેઠળ મહેસાણા, અમરેલી, અંકલેશ્વર અને માંડવી ખાતે કુલ ૦૪ એરસ્ટ્રીપ પણ ઉપલબ્ધ છે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra HSC Board 12th Result 2025 : મહારાષ્ટ્ર ધોરણ 12 ના પરિણામો જાહેર, રાજ્યનું પરિણામ 91.88 ટકા; આ વર્ષે પણ છોકરીઓએ મારી બાજી…
નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના નેતૃત્વમાં આગામી સમયમાં રાજ્યમાં અંબાજી, દ્વારકા, સાપુતારા, સાસણ-ગીર, હાંસોલ અને સોમનાથ ખાતે હેલિપોર્ટ તેમજ કેવડિયા, દ્વારકા, ધોરડો, ધોળાવીરા, દાહોદ અને વડનગર ખાતે નવીન એરસ્ટ્રીપ વિકસાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં એવિએશન સેક્ટરનો વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રકચર ( Infrastrucutre ) માં વધારો કરવા માટે ગુજરાત સરકાર અને એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે MOU પણ કરવામાં આવ્યા છે.
યુવાઓને પાયલોટ બનવા માટે તાલીમ પુરી પાડી ઉડ્ડયન ક્ષેત્રે ગુજરાતમાં ઈન્ફાસ્ટ્રક્ચર તેમજ કુશળ માનવ સંશાધન તૈયાર કરવાના હેતુસર રાજ્ય સરકાર હસ્તક આવેલા મહેસાણા એરસ્ટ્રીપ ખાતે ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન શરૂ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં કુલ ૨૫૦થી વધારે યુવક-યુવતીઓએ તાલીમ મેળવી છે, જેમાંથી ૧૫૫ યુવાનોએ કોમર્શિયલ પાયલટ ( Commercial Pilot ) નું લાયસન્સ પણ મેળવ્યું છે. આ સિવાય અમરેલી ખાતે પણ ઉડ્ડયન ક્ષેત્રે તાલીમ આપતી બે સંસ્થા ગુજરાત ફલાઇંગ કલબ અને વિઝન ફ્લાઇંગ ઇન્સ્ટીટયુટ કાર્યરત છે.
ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં ઉડ્ડયન ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે, રાજ્ય સરકારે વર્ષ ૨૦૦૨માં નાગરિક ઉડ્ડયન વિભાગની સ્થાપના કરી હતી. આ વિભાગ દ્વારા ઉડ્ડયન પાર્ક, નવી હવાઈ પટ્ટીઓનો વિકાસ, પ્રાદેશિક એરલાઇન, એરબોર્ન કાયદા અમલીકરણ કાર્યક્રમ, એર એમ્બ્યુલન્સ સેવા તથા નવા જેટ વિમાનની ખરીદી જેવા વિવિધ કાર્યો કરવામાં આવે છે.
Gujarat Civil Aviation : ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ’- GUJSAIL
નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા નવી સુવિધાઓ અને સેવાઓમાં રોકાણને સરળ બનાવવા માટે વર્ષ ૨૦૧૦માં ‘ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ’- GUJSAIL ની રચના કરવામાં આવી હતી. જે ગુજરાતમાં ઉડ્ડયન અને સંબંધિત માળખાગત સુવિધાઓના વિકાસ માટે રાજ્ય સરકારની નોડલ એજન્સી છે. ગુજસેઇલ ગુજરાતમાં ઉડ્ડયન સંબંધિત પ્રવૃત્તિઓ માટે રાજ્ય સરકારના કાર્યક્ષેત્ર હેઠળ પરવાનગીઓ અને મંજૂરીઓ માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ પૂરું પાડે છે.
દેશનો સામાન્ય નાગરિક કે જે ‘હવાઈ ચપ્પલ’ પહેરીને ‘હવાઈ જહાજ’ પર ઉડાન ભરે તેવા વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવા કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ‘નેશનલ સિવિલ એવિએશન પોલિસી-૨૦૧૬’ અંતર્ગત ‘ઉડાન યોજના’-‘ઉડે દેશ કા આમ નાગરિક’ શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત ભારતભરમાં ‘ઉડાન યોજના’ અંતર્ગત વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૫ દરમિયાન ૩ લાખ જેટલી ઉડાન ફ્લાઈટથી અંદાજે ૧.૪૯ કરોડ મુસાફરોએ સસ્તા દરે પ્રાદેશિક હવાઈ મુસાફરી કરી હતી.
ગુજરાતમાં ‘ઉડાન’ યોજના હેઠળ ભાવનગર-પુણે-ભાવનગર, અમદાવાદ-મુંદ્રા-અમદાવાદ, અમદાવાદ-દીવ-અમદાવાદ, સુરત-દીવ-સુરત, અમદાવાદ-નાંદેડ-અમદાવાદ, અમદાવાદ-કેશોદ-અમદાવાદ અને અમદાવાદ-જલગાંવ-અમદાવાદ એમ ૦૭ ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્ય સરકારની વાયબીલીટી ગેપ ફંડીંગ યોજના-વી.જી.એફ હેઠળ રાજ્યમાં સુરત-અમદાવાદ-સુરત, સુરત-અમરેલી-સુરત, સુરત-રાજકોટ-સુરત, સુરત-ભાવનગર-સુરત તેમજ અમદાવાદ-ભુજ-અમદાવાદ ખાતે આંતરિક હવાઈ સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે, જેનો બહોળો લાભ રાજ્યના નાગરિકો લઈ રહ્યા છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.