Gujarat Government: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શિક્ષણની વિવિધ યોજનાઓ હેઠળ 13 લાખ વિદ્યાર્થીઓને રૂ.370 કરોડની સ્કોલરશીપ સહાય વિતરણ

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી શ્રી પદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી રીવાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિ

by samadhan gothal
Gujarat Government મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શિક્ષણની વિવિધ યોજનાઓ

 Continuous Bureau | Mumbai

  • Gujarat Government નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાના લાભાર્થીઓને ડી.બી.ટી.થી સહાય એનાયત*
  • કે.જી. થી પી.જી. સુધીનું શિક્ષણ બાળકોને સરળતાએ મળે તેવી વડાપ્રધાનશ્રીની નેમ પાર પડી રહી છે – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
  • વિદ્યાર્થીઓને આર્થિક ભારણ ન પડે તેવા આશય સાથે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ શૈક્ષણિક યોજનાઓ કાર્યરત: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી*
  • શિક્ષણમાં કરાયેલું રોકાણ માત્ર આર્થિક સહાય નથી, પરંતુ વિકસિત ગુજરાતના નિર્માણનો મજબૂત પાયો છે :શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાના 13 લાખથી વધુ લાભાર્થી વિદ્યાર્થીઓને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં રૂ.370 કરોડથી વધુની સ્કોલરશીપ સહાય ડી.બી.ટી.થી એનાયત કરી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં છેલ્લા અઢી દાયકામાં રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટો બદલાવ આવ્યો છે. કે.જી. થી પી.જી. સુધીનું શિક્ષણ બાળકોને સરળતાએ મળે તેવી વડાપ્રધાનશ્રીની નેમ પાર પડી રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ કે, પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરે તથા કન્યા શિક્ષણને વધુ પ્રોત્સાહન મળે તેની ચિંતા કરીને નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાઓ શરૂ કરી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “બેટી પઢાવો” અભિયાનથી દેશમાં દીકરીઓના ભણતરને ખૂબ મોટો વેગ આપ્યો છે. 2001માં ગુજરાતનું સેવાદાયિત્વ તેમણે સંભાળ્યું ત્યારે અનેક સમસ્યાઓ હતી. આવા સમયે કોઈ રાજ્યનાં મુખ્યમંત્રી પોતે ગામેગામ જઈને દીકરીઓના ભણતર માટેનો સેવા યજ્ઞ ઉપાડે તેનો દાખલો શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં બેસાડ્યો હોવાનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ હતું.

Gujarat Government: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શિક્ષણની વિવિધ યોજનાઓ હેઠળ 13 લાખ વિદ્યાર્થીઓને રૂ.370 કરોડની સ્કોલરશીપ સહાય વિતરણ

એટલું જ નહીં, મુખ્યમંત્રી તરીકે તેમને મળતી ભેટ સોગાદોની હરાજી કરીને એની જે રકમ આવે તે કન્યા કેળવણી માટે આપવાની નવી પરંપરા શ્રી નરેન્દ્રભાઈએ શરૂ કરી હતી. આ બધાના પરિણામે લોકોમાં પણ દીકરીઓને શાળાએ મોકલવાની જાગૃતિ વધી. તેમજ શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવની સફળતાને પગલે દીકરીઓનો ડ્રોપ આઉટ રેટ 37% થી ઘટીને બે ટકાથી પણ નીચો આવી ગયો હોવાનું મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, એક સમયે ગામોમાં વિજ્ઞાન પ્રવાહની શાળોઓની સંખ્યા નહિવત હતી. આજે વિજ્ઞાન પ્રવાહની 2834 શાળોઓ થઈ ગઈ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, 2001માં માત્ર 775 કોલેજો હતી આજે ગુજરાતમાં 3200થી વધુ કોલેજો વિદ્યાર્થીઓના ઘડતરનું કાર્ય કરી રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ધો.12માં વિજ્ઞાન પ્રવાહ પછી એન્જિનિયરિંગમાં અભ્યાસ માટે જવુ હોય તો માત્ર 139 કોલેજ હતી, આજે એન્જિનિયરિંગ કોલેજની સંખ્યા 288એ પહોંચી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી તરીકે સેવાદાયિત્વ સંભાળ્યું ત્યારે 1175 મેડિકલ સીટો હતી. જે આજે 7000 હજારથી વધુ થઈ છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, મેડિકલમાં અભ્યાસ કરતી દિકરીઓને આર્થિક મદદ મળે તે માટે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજનામાંથી અત્યારસુધીમાં રાજ્યની 24 હજારથી વધુ દીકરીઓને સહાય આપવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતનું અને દેશનું ભવિષ્ય જેમના હાથમાં છે તેવા આજના વિધાર્થીઓ માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે શરૂ કરેલી ફ્લેગશિપ યોજનાઓ પૈકીની ચાર યોજનાઓ અંતર્ગત આજે ૧૩ લાખથી વધુ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં રૂ.૩૭૦ કરોડથી વધુ રકમની શિષ્યવૃત્તિ સહાય સીધી જ DBT માધ્યમથી ટ્રાન્સફર થઈ છે. અત્યાર સુધીમાં, આ ચારેય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૩.૫૦ લાખથી વધુ બાળકોને રૂ.૧૩૩૨ કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો: લોન લેવાનું આયોજન હોય તો જાણી લો! આ ૨ બેંકોએ વ્યાજ દરોમાં કર્યો ઘટાડો!

શ્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને બીજી ટર્મમાં આજે સફળતાપૂર્વકના ત્રણ વર્ષ નિમિત્તે અભિનંદન પાઠવતા કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોના હિતમાં અનેક નિર્ણયો લીધા છે અને તેમના સ્વભાવ મુજબ મૃદુતા સાથે સમગ્ર મંત્રી મંડળની ટીમને પણ આ પ્રકારે લોકહિતના નિર્ણય લેવા માટે સતત પ્રેરણા, મોકળાશ અને હિંમત આપી છે. શિક્ષણ વિભાગની જે ચાર યોજનાઓ અંતર્ગત આજે શિષ્યવૃત્તિ સહાય ચૂકવવામાં આવી તે પૈકીની એક ફ્લેગશિપ યોજના પણ તેમના જ નિર્ણયનો અંશ છે. શિક્ષણ વિભાગ દ્વારા યોજાયેલા આ પ્રકારના પ્રત્યેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણ વિભાગ પ્રત્યે અને આપણું ભવિષ્ય એવા વિધાર્થીઓ માટે તેમનું સમર્પણ અને યોગદાન કેટલું છે તે સાબિત કરી બતાવ્યું છે.

શ્રી હર્ષ સંઘવીએ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંગે કહ્યું કે, ગુજરાતમાં જે રીતે મોટી મોટી ઈન્ડસ્ટ્રીઝ આવી રહી છે ત્યારે આપણા વિધાર્થીઓ પણ તેમાં પોતાનું યોગદાન આપી શકે તે ખૂબ જરૂરી છે. આવા સંજોગોમાં કોઈ માતા પિતા પોતાના બાળકને વિજ્ઞાન પ્રવાહમાં ભણાવવા માંગતા હોય અને તેમના પર આર્થિક ભારણ ન પડે તેવા શુધ્ધ વિચારો સાથે રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે, જેનો લાભ રાજ્યના અનેક વિધાર્થીઓ લઈ રહ્યા છે.

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ રાજ્યમાં શિષ્યવૃત્તિ વિતરણના પ્રસંગે જણાવ્યું હતું કે, “વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત”ના નિર્માણમાં શિક્ષિત અને સક્ષમ સમાજનું નિર્માણ કરવા ગુજરાત સરકાર અડગ છે. તેમણે ઉમેર્યું હતું કે, શિક્ષણ વિભાગ દેશના ભવિષ્ય એવા આજના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ થકી યોગ્ય દિશા આપવા સંકલ્પબદ્ધ છે. સરકાર દ્વારા શિક્ષણમાં કરવામાં આવેલું આ રોકાણ માત્ર આર્થિક સહાય નથી, પરંતુ આવનારા સમયના વિકસિત ગુજરાતના નિર્માણનો મજબૂત પાયો છે. આ મહત્વપૂર્ણ પગલાં ગુજરાતના વિદ્યાર્થીઓના જીવનમાં નવી દિશા, નવી તક અને નવા સપનાઓ આપશે.

ગુજરાત સરકાર દ્વારા શિક્ષણને પ્રાથમિકતા આપતી ચાર મહત્વપૂર્ણ યોજનાઓથી આવી રહેલા ફેરફારની વાત કરતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ યોજનાઓ થકી લાખો વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થઈ રહ્યું છે. નમો લક્ષ્મી યોજનાએ દીકરીઓના સશક્તીકરણનું શક્તિશાળી માધ્યમ બની છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૧૦.૪૯ લાખ દીકરીઓને રૂ. ૧,૦૩૩ કરોડની સહાય DBT દ્વારા ચૂકવાઈ છે. આના પરિણામે વિદ્યાર્થીનીઓની હાજરીમાં ૭૩ ટકા જેટલો નોંધપાત્ર વધારો થયો છે તેમજ ધોરણ ૧૨માં પ્રવેશ મેળવનાર દીકરીઓની સંખ્યામાં ૧૩.૫૯ ટકાનો વધારો નોંધાયો છે.

શિક્ષણ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના દ્વારા વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની રૂચિ વધારવા માટે ૧.૫ લાખ વિદ્યાર્થીઓને રૂ. ૧૫૧.૮૪ કરોડની સહાય આપવામાં આવી છે, જેનાથી વિજ્ઞાન પ્રવાહના નામાંકનમાં ૬.૩૪ ટકાનો વધારો થયો છે. મેરિટ અને ગુણવત્તા આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપતી અન્ય બે યોજનાઓ – મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના દ્વારા ૫૦,૦૦૦ વિદ્યાર્થીઓને રૂ. ૮૬.૧૪ કરોડ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના દ્વારા ૬૦,૦૦૦ વિદ્યાર્થીઓને રૂ. ૬૧.૨૭ કરોડની સહાય આપવામાં આવી છે. આ ચારેય યોજનાઓ ગુજરાતના લાખો વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે જ્ઞાનસેતુનું નિર્માણ કરી રહી છે તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.

વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે આયોજિત આ શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ સમાજમાં હકારાત્મક બદલાવ તેમજ દરેક બાળકને સશક્ત બનાવવાનું સૌથી શક્તિશાળી માધ્યમ છે, તેમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું. વડાપ્રધાનશ્રીના આ વિચારને સાકાર કરતા આજના કાર્યક્રમમાં રાજ્ય સરકાર દ્વારા કુલ ૧૩ લાખથી વધુ વિદ્યાર્થીઓને ડીબીટીના માધ્યમથી રૂ. ૩૭૦ કરોડની સહાય પહોંચાડવાનો આ એક ગૌરવ લઈ શકાય તેવો ઐતિહાસિક પ્રસંગ છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આપણા દેશનું દરેક બાળક ઉજ્જવળ ભારતનું સ્વપ્ન છે. જેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર નમો લક્ષ્મી, નમો સરસ્વતી સહિત અનેકવિધ યોજનાઓ થકી બાળકોના સર્વાંગી વિકાસ, શિક્ષણ અને આરોગ્યને કેન્દ્રમાં રાખીને સતત કાર્ય કરી રહી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગુણવત્તાસભર શિક્ષણ, માળખાકીય સુવિધામાં સતત વધારો, કન્યા શિક્ષણને પ્રોત્સાહન, ડ્રોપઆઉટ રેશિયોમાં ઘટાડો કરવો અને સાથે બાળકોનો સર્વાંગી વિકાસ સાથે રાજ્યના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ પ્રદાન કરીને સુંદર ભવિષ્ય બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર શહેર સંગઠન પ્રમુખ ડો. આશીષ દવે, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર, નિયામક શાળાઓની કચેરી શ્રી પ્રજેશ રાણા, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

You Might Be Interested In

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More