ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 જાન્યુઆરી 2022
મંગળવાર
ઉત્તર પશ્ચિમના ઠંડા પવન સીધા આવતા શહેર સહિત રાજ્યમાં કોલ્ડવેવની અસર શરૂ થઈ છે અને આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તેની અસર વર્તાશે. વિવિધ શહેરોનું લઘુતમ તાપમાન ૭થી ૧૨ ડિગ્રી ઘટ્યું હતું. આગામી બે દિવસ અમદાવાદ સહિત રાજ્યનાં વિવિધ શહેરોમાં હાડ થીજવતી ઠંડી પડવાના હવામાન ખાતા દ્વારા સંકેતો અપાયા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, સૌરાષ્ટ્રના કચ્છ, ભાવનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર તથા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ઠંડા પવન ફૂંકાવાના કારણે બાળકો, પ્રેગ્નેન્ટ મહિલા તથા કોમોર્બિડ વૃદ્ધોને ખાસ સાવચેતી રાખવા કહેવાયું છે.
ઉત્તર ગુજરાતમાં ઉત્તર-પૂર્વીય ઠંડા પવન ફૂંકાવાનું ફરી શરૂ થયું હતું. પ્રતિ કલાકે ૧૨ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે રાત્રીનું તાપમાન સાડા ૭ ડિગ્રી ઘટ્યું હતું. જ્યારે દિવસનું તાપમાન પોણા ૫ ડિગ્રી સુધી ઘટ્યું હતું. જેને લઇ ઠંડીનો પારો ૧૧ થી ૧૩.૩ ડિગ્રીની વચ્ચે, જ્યારે દિવસનો પારો ૨૧ થી ૨૨ ડિગ્રી વચ્ચે રહ્યો હતો.આગામી ૭૨ કલાકમાં ઠંડી ૨થી ૪ ડિગ્રી વધશે. આ સાથે ૪૮ કલાક સુધી મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ઠંડા પવનો ફૂંકાશે. જેને લઇ ચારેય જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે.