News Continuous Bureau | Mumbai
- છેલ્લા 6 વર્ષમાં 2 લાખથી વધુ કેન્સરના દર્દીઓની સારવાર માટે રાજ્ય સરકારે ₹2,855 કરોડથી વધુની રકમ પૂર્વમંજૂર કરી
- રાજ્યમાં સંચાલિત 35 ડે કેર કીમોથેરાપી કેન્દ્રોના માધ્યમથી છેલ્લા 2 વર્ષોમાં 68,190થી વધુ કેન્સરના દર્દીઓએ 1,90,030 કીમોથેરાપી સેશન્સ મેળવ્યા
- વર્ષ 2024માં GCRIના માધ્યમથી 25,956 દર્દીઓએ સારવાર મેળવી, તેમાંથી 17,107 ગુજરાતના, 8,843 અન્ય રાજ્યોના અને 6 આંતરરાષ્ટ્રીય દર્દી
World Cancer Day: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) ગરીબ અને મધ્યમ વર્ગ માટે એક વરદાન સાબિત થઇ રહી છે. દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઉજવાતા કેન્સર દિવસના ઉપલક્ષ્યમાં આપણે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે કેવી રીતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કેન્સર જેવા ગંભીર રોગની સારવાર અને નિદાનમાં દર્દીઓ માટે એક સંજીવની બનીને ઉભરી છે. નોંધપાત્ર છે કે વિશ્વ કેન્સર દિવસ, લોકોમાં કેન્સર વિશે જાગરૂકતા, તેની સારવાર, અટકાયત અને નિદાનના મહત્વને ઉજાગર કરવા માટે સમર્પિત છે. સાથે જ, આ દિવસ વૈશ્વિક સ્તર પર કેન્સરથી પ્રભાવિત લોકોનો અવાજ ઉઠાવવા અને સસ્તી, સુલભ સ્વાસ્થ્ય સેવાઓની જરૂરિયાતને પણ દર્શાવે છે. આ વર્ષે આ દિવસને ‘યુનાઇટેડ બાય યુનિક’ થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે.
વિશ્વ કેન્સર દિવસના પ્રસંગે ગુજરાતમાં કેન્સરના દર્દીઓને મળી રહેલી સારવાર અને નિદાન વિશે વાત કરીએ તો PMJAY-MA અંતર્ગત છેલ્લા 6 વર્ષોમાં ગુજરાતમાં 2 લાખથી વધુ કેન્સરના દર્દીઓને નિ:શુલ્ક સારવારની સુવિધા મળી છે. આ દર્દીઓના ઇલાજ માટે રાજ્ય સરકારે છેલ્લા 6 વર્ષમાં ₹2,855 કરોડથી વધુની રકમની પૂર્વ મંજૂરી આપી છે. ગુજરાતમાં કેન્સરના દર્દીઓની ઉચ્ચસ્તરીય સારવારમાં GCRIની મહત્વપૂર્ણ ભૂમિકા
આ સમાચાર પણ વાંચો: Illegal Indian Immigrants: એક્શનમાં ડોનાલ્ડ ટ્રમ્પ, હવે અમેરિકામાં ગેરકાયદે રહેતા આટલા ભારતીયોને હાંકી કાઢ્યા; આજે રાત્રે ભારત પહોંચશે..
World Cancer Day: ગુજરાત સરકાર અને ગુજરાત કેન્સર સોસાયટી દ્વારા સંયુક્ત રીતે સંચાલિત ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) રાજ્યમાં કેન્સરની સારવાર અને સંભાળમાં મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી છે. આધુનિક તબીબી સુવિધાઓથી સજ્જ આ સંસ્થા કેન્સરના દર્દીઓની સારવાર માટે સમર્પિત છે. કેન્સરના દર્દીઓને સારવાર આપવા સંદર્ભે GCRIના મહત્વને આંકડાથી સમજીએ તો વર્ષ 2024માં, GCRIએ કેન્સરના 25,956 કેસોમાં સારવાર પૂરી પાડી છે. જેમાં ગુજરાતમાંથી 17,107 કેસ, અન્ય રાજ્યોના 8,843 (ખાસ કરીને મધ્યપ્રદેશથી 4331, રાજસ્થાનથી 2726 અને ઉત્તરપ્રદેશથી 1043, બાકીના અન્ય રાજ્યોના) અને 6 કેન્સરના કેસ આંતરરાષ્ટ્રીય કેસ છે. આ આંકડા કેન્સરની વિશેષ સંભાળમાં GCRI ની વિશ્વસનીયતા દર્શાવે છે.
આટલું જ નહિ, કેન્સરના દર્દીઓની સારવાર સિવાય GCRI કેન્સર જાગરૂકતા અભિયાન પણ ચલાવે છે. વર્ષ 2024માં GCRIએ 78 કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ આયોજિત કર્યા હતા, જેનો લાભ 7700 લોકોએ મેળવ્યો હતો. આવી જ રીતે, 22 જાગરૂકતા લેક્ચર્સ પણ આયોજિત કર્યા, જેનો લાભ 4550 લોકોએ મેળવ્યો હતો. GCRIએ 41 રક્તદાન શિબિરોનું પણ આયોજન કર્યું હતું. ડિસ્ટ્રીક્ટ ડે કેર કીમોથેરાપી કેન્દ્રોના માધ્યમથી તમામ જિલ્લાઓમાં પહોંચી કેન્સર સારવારની સુવિધા
આ સમાચાર પણ વાંચો: Drone Didi: ખેડૂતોને મળ્યો નવો સહારો, ગુજરાતની 58 ‘ડ્રોન દીદી’એ આટલા એકરમાં કરાવ્યો દવાનો છંટકાવ
World Cancer Day: ગુજરાત સરકારે રાજ્યમાં કેન્સરના દર્દીઓની સારવાર અને નિદાન પ્રત્યે સંવેદનશીલ પ્રતિભાવ આપવાના ભાગરૂપે કેન્સરની સારવારના વિકેન્દ્રીકરણ માટે અગ્રણી અભિગમ અપનાવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 11 ઓક્ટોબર, 2022ના રોજ શરૂ કરવામાં આવેલી એક પરિવર્તનકારી પહેલ હેઠળ, રાજ્યના તમામ જિલ્લાઓમાં 35 ડે કેર કીમોથેરાપી કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. આ કેન્દ્રો જિલ્લા હોસ્પિટલોમાં જરૂરી કીમોથેરાપી સારવાર પૂરી પાડે છે. ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI), અમદાવાદ તેમજ સિદ્ધપુર, રાજકોટ અને ભાવનગર ખાતેના તેમના અન્ય 3 સેટેલાઇટ કેન્દ્રોના સહયોગથી જિલ્લા હોસ્પિટલોમાં સ્થિત ડે કેર કીમોથેરાપી કેન્દ્રો જરૂરી સારવાર સેવાઓ, ટેલિ-કન્સલ્ટન્સી સેવાઓ અને જરૂરી દવાઓ પૂરી પાડે છે. આંકડાઓની વાત કરીએ તો, વર્ષ 2024 સુધીમાં, આ તમામ ડે કેર કીમોથેરાપી કેન્દ્રો પર 71,000થી વધુ દર્દીઓએ 2 લાખ 3 હજારથી વધુ કીમોથેરાપી સેશન્સ (cycles) લીધા છે. રાજ્ય સરકારની આ પહેલથી કેન્સરના દર્દીઓ અને તેમના પરિવારજનોનો સમય અને ખર્ચ બંનેની બચત થઈ છે.
કેન્સર સામેની લડાઇમાં ગુજરાત સરકારની મજબૂત પ્રતિબદ્ધતા કેન્સરની સંભાળ, સારવાર અને નિદાન માટેના ગુજરાત સરકારના સશક્ત પ્રયાસો પ્રશંસનીય છે. રાજ્ય સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું પ્રભાવી અમલીકરણ તેમજ ડે કેર કીમોથેરાપી કેન્દ્રોની સ્થાપનાથી તમામ જિલ્લાઓમાં કીમોથેરાપી સેશન્સની સુવિધા ઉપલબ્ધ કરાવી છે અને GCRI દ્વારા કેન્સરના દર્દીઓને વધુ સારી સારવાર અને નિદાનની ઉપલબ્ધતા સુનિશ્વિત કરી છે. રાજ્ય સરકારના આ પ્રયાસોથી દર્દીઓને વિશ્વસ્તરીય સારવાર સુવિધા મળવાની સાથે વિશ્વ કેન્સર દિવસના ઉદ્દેશો પ્રત્યેની પ્રતિબદ્ધતા પણ દેખાય છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed