Gujarat Heavy rain : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના પરિણામે ૧૦ જળાશયો સંપૂર્ણ : ૨૯ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા

Gujarat Heavy rain 10 reservoirs full due to widespread rains in Gujarat

Gujarat Heavy rain 10 reservoirs full due to widespread rains in Gujarat

News Continuous Bureau | Mumbai

Gujarat Heavy rain :

 ગત વર્ષે આ સમયે રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૩૮.૨૬ ટકા જ્યારે હાલમાં ૪૬ ટકાથી વધુ જળ સંગ્રહ
 ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૦ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ

ચાલુ વર્ષે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થઇ ગયું છે ત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે અમરેલી જિલ્લાના ધાતરવાડી અને સુરજવાડી, સુરેન્દ્રનગરના વાંસલ, લીમ-ભોગાવો-૧ અને સબુરી, જામગનર જિલ્લાના વાઘડીયા, કચ્છના કલાઘોઘા, ભાવનગરના રોજકી તથા બગડ અને બોટાદ જિલ્લાના ભીમદાદ એમ કુલ ૧૦ જળાશયો સંપૂર્ણ એટલે કે ૧૦૦ ટકા ભરાયા છે જેથી હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ૨૯ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા એલર્ટ અને વોર્નિંગ જાહેર કરવામાં આવી છે તેમ, જળ સંપત્તિ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

ગત વર્ષે તેમજ ચાલુ વર્ષે પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૪૫.૦૧ ટકા જળ સંગ્રહ ઉપલબદ્ધ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના ૫૦.૧૫ ટકા પાણી સંગ્રહાયેલુ છે. ગત વર્ષે આ સમયે એટલે કે, તા. ૨૩ જૂન-૨૦૨૪ની સ્થિતિએ રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૩૮.૨૬ ટકા જળ સંગ્રહ હતો.

વધુમાં સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં સૌથી વધુ ૪૮.૧૫ ટકા જળ સંગ્રહ, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૩.૮૦ ટકા જળ સંગ્રહ, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૪૨.૦૩ ટકા, ઉતર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૩.૧૦ ટકા તેમજ કચ્છના ૨૦ જળાશયોમાં ૨૮.૭૨ ટકાથી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે. આ સિવાય સરદાર સરોવર સહિત રાજ્યના ૨૫ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે, ૬૧ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે જયારે ૮૨ જળાશયો ૨૫ ટકાથી ઓછા ભરાયા છે.

હાલની સ્થિતિએ સરદાર સરોવરમાં ૧૮ હજાર ક્યુસેકથી વધુ, દમણગંગામાં ૧૬ હજાર ક્યુસેકથી વધુ, વંથલીના ઓઝત-વિઅરમાં ૧૩ હજાર ક્યુસેકથી વધુ તેમજ ઓઝત-વિઅરમાં ૧૩ હજારથી વધુ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.

આ સમાચાર પણ વાંચો : EPFO New members :સંગઠિત ક્ષેત્રમાં રોજગાર વધ્યો, એપ્રિલમાં 2025 19.14 લાખ સભ્યો EPFOમાં જોડાયા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા તેમજ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઇ પટેલના નેતૃત્વમાં સરકારે સુજલામ સુફલામ્ જળ સંચય અભિયાન, નલ સે જલ અભિયાન જેવા જળ સંચયના અનેક અભિયાનો શરૂ કર્યા હોવાથી જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાત આત્મનિર્ભર બન્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા ‘કેચ ધ રેઈન’ના આહૃવાનને સાકાર કરવા ગુજરાતમાં ‘કેચ ધ રેઈન- સુજલામ સુફલામ જળ અભિયાન ૨.O’નો મહેસાણાના દવાડાથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો તેમ, યાદીમાં વધુમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Exit mobile version