News Continuous Bureau | Mumbai
Gujarat News :
- જિલ્લા “સ્વાગત”માં અગાઉ રજૂ થયેલા પ્રશ્નો અંગે કલેકટર કક્ષાએ અપાતી રજૂઆતોની નિવારણની સૂચનાઓનું પાલન સુનિશ્ચિત કરવા તાકિદ કરતા મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે લોકોની રજૂઆતો સમસ્યાઓના સુચારૂ નિવારણ માટે ટેક્નોલોજીયુક્ત અભિગમ “સ્વાગત”માં જિલ્લા કક્ષાના “સ્વાગત”માં લોકોની રજૂઆતોની જિલ્લા કલેક્ટર કક્ષાએ નિવારણ માટેની જે સૂચનાઓ અપાઈ હોય તેનું પાલન સુનિશ્ચિત કરવા તાકિદ કરી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, અરજદારો નાગરિકોને પોતાની આવી નાની રજૂઆતો માટે રાજ્ય “સ્વાગત” સુધી આવું જ ન પડે તેવી સ્થિતીનું નિર્માણ આપણે કરવું છે.
મુખ્યમંત્રીશ્રીએ જૂન મહિનાના રાજ્ય “સ્વાગત”માં તેમની સમક્ષ રજૂ થયેલા પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત વિભાગો તથા જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો અને પોલીસ અધિક્ષકો તથા અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ જૂન-2025ના આ રાજ્ય “સ્વાગત”માં રાજકોટ અને અમદાવાદ મહાનગરપાલિકા, પોલીસ તંત્ર, ગ્રામ પંચાયતના રસ્તાઓ બનાવવા, જમીન મહેસુલ, હેતુફેર સહિતની વિવિધ રજૂઆતો આવી હતી. તેમણે આ રજૂઆતકર્તાઓને શાંતિપૂર્વક સાંભળીને તથા હકારાત્મક વલણ દાખવીને મહાનગરપાલિકા તથા પોલીસ તંત્રને સ્પર્શતી રજૂઆતોમાં કડક કાર્યવાહી માટે સુચનાઓ પણ આપી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સિંચાઈ યોજના પડતી મુકાયા છતાં કેટલાંક ખેડૂત ખાતેદારોના 7/12માં કલમ-4ના પ્રાથમિક જાહેરનામામાં યથાવત રહેલી નોંધને કારણે ખેડૂતોને લાંબા સમયથી પડતી સમસ્યાનો અંત લાવી તે નોંધ દૂર કરવાનો સંવેદનાસ્પર્શી નિર્ણય “સ્વાગત” દરમિયાન કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics: વિજય રેલીમાં ઉદ્ધવ-રાજ ઠાકરે સાથે આવશે, શું તેઓ સાથે ચૂંટણી પણ લડશે; મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા પરિવર્તન..
તેમણે રહેણાંક હેતુ માટેની સોસાયટીમાં કોમર્શિયલ પ્રવૃત્તિ કરનારા કેસમાં કડક કાર્યવાહી કરવા, ખેડૂતોની જમીન માપણીના પ્રશ્નો, રોડ રસ્તા પરના દબાણ હટાવવાના, પર્યાવરણ જાળવણી સહિતના પ્રશ્નોને નાગરિકો પરત્વે હકારાત્મક દ્રષ્ટિકોણ રાખીને જિલ્લા વહીવટી તંત્ર કડક કાર્યવાહી કરે તેવી સ્પષ્ટ સુચનાઓ આપી હતી.
જૂન મહિનાના “સ્વાગત” ઓનલાઈનમાં ગ્રામ, તાલુકા, જિલ્લા અને રાજ્ય “સ્વાગત” મળીને કુલ 3349 રજૂઆતો મળી હતી તેમાંથી 50% એટલે કે 1757 જેટલી રજૂઆતોનું નિવારણ લાવી દેવાયું છે.
જૂન-2025ના રાજ્ય “સ્વાગત”માં કુલ 98 જેટલા અરજદારો રાજ્યભરમાંથી હાજર રહ્યા હતા. જેમાંથી 12 જેટલા અરજદારોને મુખ્યમંત્રીશ્રીએ રૂબરૂ સાંભળ્યા હતા
મુખ્યમંત્રીશ્રી સમક્ષ રાજ્ય “સ્વાગત” માટે આવેલા અન્ય 86 જેટલા અરજદારોની અરજીઓ મુખ્યમંત્રી જનસંપર્ક કાર્યાલયના અધિકારીઓએ સાંભળીને તે અંગે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ અધિક્ષક તથા સંબંધીત વિભાગોને જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી તથા સંબંધિત વિભાગોને યોગ્ય કાર્યવાહી માટે મોકલી આપી હતી.
આ રાજ્ય “સ્વાગત” કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, સચિવશ્રી ડો. વિક્રાંત પાંડે, ખાસ ફરજ પરના અધિકારી શ્રી ધીરજ પારેખ તથા શ્રી રાકેશ વ્યાસ, તેમજ સંબંધિત વિભાગોના સચિવો અને અધિકારીઓ રૂબરૂ તેમજ સબંધિત જિલ્લા-શહેરોના તંત્રવાહકો વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.