News Continuous Bureau | Mumbai
Gujarat News :
- પાણી પુરવઠાની યોજનાઓના લાભથી ખારાપાટ વિસ્તારમાં નહેરના મીઠા જળ મળશેઃ
- તળાવોમાં નહેરનું મીઠું પાણી ભરાવાથી હજીરાની ૨૫૦ હેક્ટર જમીનને લાભ મળશે
- પાણી, પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
- ચોર્યાસીના જુનાગામ, સુવાલી અને રાજગરી ગામોના પાંચ તળાવો મીઠા પાણીથી છલકાશે : ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ
ત્રણેય ગામના ૮૧૪૩ લોકોને સીધો ફાયદો થશેઃ
સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના જુનાગામ નવચેતન વિદ્યાલય ખાતે પાણી પુરવઠા અને જળસંપત્તિ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ગુજરાત સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, ગાંધીનગરના પાણી પુરવઠા યોજના અંતર્ગત રૂ.૪.૧૭ કરોડના ખર્ચે નહેર આધારીત પાણીની પાઈપલાઈન મારફતે તળાવો ભરવા માટેની યોજનાઓના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.
ચોર્યાસીના જુનાગામના બે, સુવાલીના બે અને રાજગરીના એક તળાવવ મળી પાંચ તળાવોમાં સુંવાલી માયનોર નહેર માંથી પાઈપલાઈન બિછાવી મીઠા પાણીથી ભરવામાં આવશે. તળાવોમાં નહેરનું મીઠું પાણી ભરાવાથી હજીરાની ૨૫૦ હેક્ટર જમીન નવપલ્લવિત થશે. કાંઠા વિસ્તારના પશુપાલકો, ખેડૂતો સિંચાઈ માટે પાણીની ઉપયોગ કરી શકાશે. જેમાં ૨.૭૫ ક્યુસેક પાણીનો સંગ્રહ થશે. જેનાથી ત્રણેય ગામના ૮૧૪૩ જેટલા લોકોને સીધો ફાયદો થશે.
આ પ્રસંગે પાણી, પુરવઠામંત્રીએ જણાવ્યું હતું કે, કાંઠા વિસ્તારના ગ્રામજનોની વર્ષોથી જૂની માંગ હતી જે આજે સિંચાઈ વિભાગ દ્વારા પરિપૂર્ણ થઈ રહી છે. દરિયા કાંઠાના ખારાપાટ વિસ્તારમાં તળાવોમાંથી પશુપાલન અને ખેતીમાં સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરી શકશે. વર્ષો પહેલા લોકોની માંગ હતી કે, દરિયા કિનારાના છેવાડાના વિસ્તારમાં ઉકાઈનું પાણી મળે. આવનાર સમયમાં ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના ૨૨ ગામોને પાઈપલાઈનથી પીવાનું પાણી મળશે.
વધુમાં મંત્રીશ્રી કહ્યું હતું કે, ચોર્યાસી તાલુકામાં ૨૭ હજારથી વધુ રિચાર્જ બોર કરવાનું પ્રગતિ હેઠળ છે. ગામનું પાણી ગામમાં અને ખેતરનું ખેતરમાં રહે તેમજ વરસાદી પાણીનું એક પણ ટીપું પાણી વહી ન જાય તે માટે સમગ્ર દેશમાં જળ સંચય માટે ‘કેચ ધ રેન’ અભિયાન એ જન આંદોલન બન્યું છે. હજીરાથી ભાટગામ સુધીના કોસ્ટલ હાઈવે માટે રૂ.૩૫૬ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે.
આ પ્રસંગે ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, નહેર આધારીત પાઈપલાઈન મારફતે દરિયા કાંઠાના જુનાગામ, સુંવાલી અને રાજગરી ગામના પાંચ તળાવોમાં પાણી ભરવા માટે સાડા સાત કિમીની આધુનિક પાઇપલાઇનના વિકાસ કાર્યોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેનાથી દરિયા કાંઠા વિસ્તારના ગામોના ખેડૂતો, પશુપાલકોને મીઠું પાણી મળી રહેશે.
વધુમાં શ્રી દેસાઈ કહ્યું હતું કે, ઈચ્છાપોરથી મોરા ગામ સુધી નહેરની બંને બાજુએ ટુ-વ્હીલર-મોટરકાર માટે ૧૦ કિમીની રસ્તો બનશે. ચોર્યાસી તાલુકામાં પીવાના પાણી, આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ, રોડ-રસ્તા સહિતન અનેક કામો પ્રગતિ હેઠળ હોવાનું તેમણે કહ્યું હતું.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ, મહામંત્રી કિશનભાઇ પટેલ, તા.સંગઠન પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, મહામંત્રી રમેશભાઇ પટેલ, સુરેશભાઈ પટેલ, અધિક્ષક ઈજનેર, તા. સંગઠન પૂર્વ પ્રમુખ કરશનભાઈ પટેલ, હોદ્દેદારો, અગ્રણીઓ, શાળાના બાળકો સહિત ગ્રામજનો ઉપસ્થિત હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.