ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 સપ્ટેમ્બર 2020
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી રાજ્યની સરકારે ગૌશાળા પાંજરાપોળોને સહાયરૂપ થવા માટે રૂ.100 કરોડની નવી યોજના જાહેર કરી છે. એ જ રીતે પશુઓને ત્વરિત સારવાર આપવા માટે પણ 'કરુણા એમ્બ્યુલન્સ' સેવા શરૂ કરવામાં આવી છે. રૂપાણી સરકારમાં ગૌ સંવર્ધન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, અમારી સરકાર જીવદયા પ્રેમી છે. આથી 'જેને ગાય માટે પ્રેમ નથી અમને એમની સાથે પ્રેમ નથી.' ઉત્તર ગુજરાતમાં ગાયોને રસ્તા પર છોડી દેવા બાબતના ટૂંકી મુદતના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી ચુડાસમાએ ગુજરાત વિધાનસભામા ઉપરોક્ત માહિતી આપી હતી..
પાંજરાપોળના સંચાલકોને એક ગાય કે પશુદીઠ ઘાસચારા સહાય આપવા રાજ્યની તમામ રજિસ્ટર્ડ ગૌશાળા-પાંજરાપોળોના પશુઓ માટે પ્રતિદિન પશુદીઠ રૂ. 25 લેખે એપ્રિલ-મે-2020 દરમિયાન રૂ. 61.14 કરોડની સહાય ચૂકવાઇ છે. ગૌશાળા-પાંજરાપોળોને કોવિડ-19 વૈશ્વિક મહામારીમાં પશુઓ પ્રત્યે જીવદયાની ભાવના રાખીને આ રકમ નક્કી કરવામાં આવી છે. બનાસકાંઠાની ગૌશાળા-પાંજરાપોળોને રૂ. 10.72 કરોડની સહાય ચૂકવાઇ છે. ગૌશાળા-પાંજરાપોળોના સંચાલકોની રજૂઆતને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગામી ત્રણ માસ સુધી આ સહાય ચૂકવવાનો મહત્વનો નિર્ણય લીધો છે.