ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,20 જાન્યુઆરી 2022
ગુરુવાર.
ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસથી કાતિલ ઠંડીમાં લોકો ઠૂંઠવાયા હતા, ઉત્તર-પૂર્વના કાતિલ ઠંડા પવનની અસરથી છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. પવનની દિશા બદલાતાં ઉત્તરથી ઉત્તર-પૂર્વના ઠંડા પવન શરૂ થયા છે, જેને કારણે અમદાવાદ સહિત રાજ્યનાં મોટા ભાગનાં શહેરોના લઘુતમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો છે. આગામી ૩ દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીનો પારો ૪ ડીગ્રી વધતાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે. આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે એ આગામી ૨૧ અને ૨૨ જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે, જ્યારે ૨૩ જાન્યુઆરીએ વડોદરા, પંચમહાલ અને દાહોદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરેલું છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૨૦ જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા સહિત કચ્છના વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે, જ્યારે ૨૧ જાન્યુઆરીએ મહેસાણા, દ્વારકા, જામનગર, જૂનાગઢ, મોરબી, રાજકોટ અને પોરબંદરમાં હળવો વરસાદ થવાની સંભાવનાઓ છે. એ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને રાજ્યના બાકીના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે તેમજ ૨૩ જાન્યુઆરીએ વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર અને સુરતમાં હળવો વરસાદ થઈ શકે છે.
આગામી પાંચ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે, જખૌ, માંડવી, મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા અને પોરબંદરના દરિયાકિનારે ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેથી હવામાન વિભાગે માછીમારોને દરિયો નહીં ખેડવા માટે ચેતવણી આપી છે, જ્યારે બેટદ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણના દરિયાકિનારા માટે હવામાન વિભાગે માછીમારો માટે કોઈ ચેતવણી જાહેર કરી નથી.