ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑક્ટોબર, 2021
મંગળવાર
ગઈ કાલ એટલે કે સોમવારથી પડી રહેલા ભારે વરસાદના કારણે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મુશળધાર વરસાદને કારણે બેંગલુરુના આંતરરાષ્ટ્રીય કેંપગોંડા ઍરપૉર્ટની બહાર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતાં ઍરપૉર્ટના માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હોય એવાં દૃશ્યો સર્જાયાં હતાં. પરિણામે ઍરપૉર્ટની અંદર જઈ રહેલી ગાડીઓ અને ટૅક્સીઓ પાણીમાં ફસાઈ ગઈ હતી. એ કારણે મુસાફરોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
બેંગલુરુમાં મુશળધાર વરસાદથી સરકારની પોલ ખુલ્લી ગઈ છે. સેંકડો મુસાફરો ઍરપૉર્ટ તરફ જવા માટે રાહ જોઈ રહ્યા હતા. ટર્મિનલ તરફ જતી ઘણી ટૅક્સીઓ વરસાદના પાણીમાં ફસાઈ ગઈ. એ જ સમયે મુસાફરો તેમને ટ્રૅક્ટરમાં ઍરપૉર્ટ પર લઈ જતા જોવા મળ્યા છે. ટ્રૅક્ટરથી મુસાફરોને લાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભારે વરસાદને કારણે અહીંયાં શૉર્ટ સર્કિટને કારણે એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય એક વ્યક્તિ આ ઘટનામાં ઘાયલ પણ થઈ હતી.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે કર્ણાટકમાં હાલ યેલો એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે આગામી સમયમાં કર્ણાટકમાં ભારે વરસાદ પડી શકે છે.