ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 નવેમ્બર 2021
શનિવાર.
દક્ષિણ ભારતના તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને કેરળમાં વરસાદે કાળો કેર વર્તાવ્યો છે. ભારે વરસાદમાં ઠેર ઠેર ભરાયેલા પાણીમાં બાળકો સહિત 20થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ભારે વરસાદને કારણે ઠેર ઠેર આવેલા પૂર અને ગામડાઓમાં ભરાયેલા પાણીમાં લાશો વહી રહી છે. ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તમિલનાડુ અને આંધ્રપ્રદેશની રાજય સરકારે મૃતકોના પરિવારને પાંચ-પાંચ લાખની મદદ જાહેર કરી હતી. પ્રખ્યાત સબરીમાલા મંદિરની તીર્થ યાત્રા પણ સ્થગિત કરવી પડી હતી.
બંગાળની ખાડી પર સર્જાયેલા ડિપ્રેશનને પગલે આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ, કર્ણાટકમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. હવામાન ખાતાએ આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી પણ આપી હતી. તે મુજબ તમિલનાડુના ઉત્તરમાં આવેલા જિલ્લાઓ, પુડુચેરી, આંધ્ર પ્રદેશ સહિત કેરળમાં ભારે વરસાદ પડ્યો હતો.
કૃષિ કાયદા મુજબ શિરોમણી અકાલી દળ ભાજપ થી અલગ થયું. હવે તે શું કરશે? જાણો અહીં
ભારે વરસાદ અને પૂરના કારણે અનેક ગ્રામિણ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદ અને પૂરમાં 12 લોકોના મોત થયા હતા. પૂરના પાણીમાં બસ તણાઈ ગઈ હતી, જેમાં ગુડલુરુ ગામમાં 7 લાશ મળી હતી. હજી સુધી અનેક લોકો ગુમ છે.
તમિલનાડુ અને કેરળમાં પણ પરિસ્થિતિ વિકટ રહી હતી. ભારે વરસાદને પગલે ચેયુર જળાશયમાં ભંગાણ પડયું હતું અને જળાશય સહિત પૂરના પાણી રસ્તા પર આવી ગયા હતા. લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા. તમિલનાડુના વેલ્લોર જિલ્લામા ભારે વરસાદથી એક ઘર પડી જવાથી ચાર બાળકો સહિત 9ના મોત થયા હતા.
આંધ્ર પ્રદેશમાં પોલીસના કહેવા મુજબ જિલ્લાના રાજમપેટ ડિવિઝનના નંદલુરુ, મંડવલ્લી અને આકાપાડુ ગામમા પુરના પાણીમા બસો ફસાઈ ગયા હતા. આંધ્રપ્રદેશના પરિસ્થિતિ ગંભીર બનતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રના મુખ્ય પ્રધાન જગનમોહન રેડ્ડી સાથે ફોન પર વાત કરીને મદદનું આશ્વાસન આપ્યું હતું. બાદમા મુખ્ય પ્રધાને મૃતકોના પરિવારને પાંચ-પાંચ લાખની મદદ પણ જાહેર કરી હતી.