News Continuous Bureau | Mumbai
ગુજરાતની ઓળખનો આધાર છે ગગનચુંબી ઈમારતો અને વિશાળ ધોરીમાર્ગો. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં પોતાનો પરસેવો રેડી રહ્યા છે – શ્રમિકો. આ શ્રમિકોને સન્માન આપવા માટે ગુજરાત સરકારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શ્રેણીબદ્ધ પગલાં લીધા છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના અને શેલ્ટર હોમ તેનું ઉદાહરણ છે.
શ્રમિક અને તેના પરિવારને માત્ર 5 રૂપિયામાં ભોજન પૂરુ પાડે છે
રાજ્યના આ પગલાઓ સરકારની ગરીબો અને વંચિતો પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. ગુજરાત સરકાર શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં શ્રમિક અને તેના પરિવારને માત્ર 5 રૂપિયામાં ભોજન પૂરુ પાડે છે. આ યોજના હેઠળ રાજ્યના 19 જિલ્લામાં 290થી વધુ ભોજન વિતરણ કેન્દ્રો ચાલી રહ્યા છે. જેમાં દૈનિક ધોરણે 32 હજાર લોકોને ભોજન પુરુ પાડવામા આવે છે. આ ઉપરાંત શ્રમિકોના આરોગ્ય માટે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : PM Kisan Yojana: કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાની અરજી માટે તા.૦૧ જાન્યુઆરી ૨૦૨૫થી ફાર્મર આઈડી ફરજિયાત
આ રીતે ટોકન ઈસ્યૂ થાય છે
શ્રમિકો આ સુવિધા માટે ઈ-નિર્માણ પોર્ટલ પર નોંધણી કરાવે છે. નોંધણી કરવામાં આવી હોય તેવા શ્રમિકોને આપવામાં આવેલા કાર્ડ પરનો ક્યૂ-આર કોડ સ્કેન કરવાથી ટોકન ઈસ્યૂ થાય છે. આ ટોકનથી તે સ્થળ પર જમી શકે છે અથવા ટિફિન લઈ જઈ શકે છે. કોઈ શ્રમિક ભૂખ્યાં ન રહે તેની પણ કાળજી લેવાય છે. હંગામી ધોરણે ઉભા કરાયેલા રજિસ્ટ્રેશન બુથમાં ન નોંધાયેલા કામદારોની નોંધણી કરી પંદર દિવસ સુધી શ્રમિકને ભોજન પુરુ પાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પારદર્શકતા માટે આ સમગ્ર પ્રક્રિયામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ કામગીરીને સીએમ ડેશબોર્ડ સાથે જોડવામાં આવી છે.
સ્થળાંતર કરીને આવેલા શ્રમિકોના બાળકોને મળે છે આ સુવિધા
ગુજરાત સરકાર શ્રમિકોના અન્ન ઉપરાંત આવાસની કાળજી પણ લઈ રહી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશથી આવેલા શ્રમિકો માટે મોટા શહેરોમાં સુવિધાયુક્ત આશ્રય-સ્થાન બનાવવામાં આવ્યા છે. અહીં શ્રમિકોને ગાદલા, બ્લેન્કેટ ઉપરાંત ગરમ પાણી તેમ જ બાથરુમની સુવિધા પુરી પાડવામાં આવે છે. અહીં શ્રમિક પોતાની રીતે ભોજન પણ બનાવી શકે છે. સ્થળાંતર કરીને આવેલા શ્રમિકોના બાળકોને શિક્ષણની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. આ આશ્રય સ્થાનોના નિર્માણ સમયે વૃદ્ધો અને દિવ્યાંગજનોની જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Chinese Threads: જુહાપુરામાંથી પ્રતિબંધિત ઘાતક અને જીવણલેણ ચાઇનીઝ દોરીના ૭૪ ટેલર સાથે બે ઇસમો ઝડપાયા
આ પહેલ રાજ્ય સરકારની શ્રમિકો પ્રત્યેની નિસબત દર્શાવે છે. શ્રમિકો રાષ્ટ્ર-નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર તેમના કલ્યાણ માટેના પ્રયાસો કરી રહી છે. ભોજન, આશ્રય અને હુંફ જેવા આ નાના પગલાઓથી શ્રમિકોના જીવનમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.