News Continuous Bureau | Mumbai
- ભરતકામ, બ્યૂટી પાર્લર, પ્લમ્બર જેવા ૧૦ ટ્રેડના કારીગરોને ટૂલકીટ માટે ઈ-વાઉચર અપાયા
Human Welfare Scheme: રાજ્યના ઉદ્યમી અને મહેનતું કારીગરો આર્થિક રીતે વધુ પગભર થઈને પોતાનું અને પરિવારનું જીવન ઉજળું બનાવી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા “માનવ કલ્યાણ યોજના” થકી તેમને ઓજારો-સાધનો આપવામાં આવે છે. જેમના કુટુંબની વાર્ષિક આવક રૂ. ૬ લાખ સુધીની હોય તેવા વ્યક્તિઓ-કારીગરોને આ યોજના અંતર્ગત સાધન સહાય આપવામાં આવે છે, જેથી આર્થિક રીતે પછાત વર્ગોના સમૂહને સ્વરોજગારથી પુરતી આવક ઉભી થાય છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ કુટિર, ખાદી, ગ્રામોદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત તથા રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વાર આ યોજના અંતગર્ત વર્ષ ૨૦૨૨-૨૩માં ૩૫,૧૫૮ લાભાર્થીઓ, વર્ષ ૨૦૨૩-૨૪માં ૩૫,૧૨૦ તથા વર્ષ ૨૦૨૪-૨૫માં ૪૬,૦૦૦ મળીને કુલ ૧.૧૬ લાખ કરતાં વધુ લાભાર્થીઓને ટૂલકીટ સહાયનો લાભ આપવામાં આવ્યો છે.
“માનવ કલ્યાણ યોજના”માં દૂધ-દહીં વેચનાર, ભરતકામ, બ્યૂટી પાર્લર, પાપડ બનાવટ, વાહન સર્વિસીંગ-રીપેરીંગ, પ્લમ્બર, સેન્ટિંગ કામ, ઇલેકટ્રીક એપ્લાયન્સિસ રીપેરીંગ, અથાણા બનાવટ અને પંચર કિટ જેવા ૧૦ ટ્રેડમાં નાના પ્રકારના વેપાર-ધંધા કરવા કારીગરોને વ્યવસાય માટે જરૂરી સાધન-ઓજાર સહાય આપવામાં આવે છે. ૧૮ વર્ષથી ૬૦ વર્ષની ઉંમર ધરાવતા લાભાર્થીઓ ઇ-કુટિર પોર્ટલ ઉપર https://e-kutir.gujarat.gov.in/ પર ઓનલાઇન અરજી કરવાથી આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે અનુ. જાતિ પૈકી અતિ પછાત વર્ગની ૧૨ જાતિઓ માટે તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ પૈકી અતિ પછાત તેમજ વિચરતી અને વિમુકત જાતિઓ તથા દિવ્યાંગ વ્યક્તિઓ માટે કોઈ આવક મર્યાદા લાગુ પડશે નહી.
આ સમાચાર પણ વાંચો: Gujarat State Yoga Board: સુરતના પાંડેસરામાં યોજાઈ રાજય સ્તરની યોગાસન સ્પર્ધા-૨૦૨૫, યોગાસન સ્પર્ધામાં 120 યોગી સ્પર્ધકોએ લીધો ભાગ
Human Welfare Scheme: આજના ડિજિટલ યુગમાં લાભાર્થીઓને અરજી કરવામાં અનુકુળતા અને સરળતા રહે તે માટે ઈ-કુટીર પોર્ટલ પર “માનવ કલ્યાણ યોજના” ઓનલાઈન કરવામાં આવી છે. આ યોજના ઓનલાઈન થવાથી લાભાર્થીઓ આંગળીના ટેરવે ઘરે બેઠા બેઠા ઓનલાઈન અરજી કરીને યોજનાનો સરળતાથી લાભ લઇ શકે છે. “માનવ કલ્યાણ યોજના” અંતગર્ત ઓનલાઈન ડ્રોમાં મંજૂર થયેલા લાભાર્થીઓના ઈ-વાઉચર જનરેટ કરવામાં આવે છે. લાભાર્થીઓ નિયુક્ત કરેલા પોતાના મનપસંદ વેન્ડર પાસેથી ઈ-વાઉચરનો ઉપયોગ કરીને મંજૂર થયેલ ટૂલકીટ ખરીદી શકે છે. રાજ્ય સરકારે નક્કી કરેલ રકમ-વાઉચર ઉપરાંત પોતાની મનપસંદ કીટ લેવા વધારાની રકમ આપીને પણ લાભાર્થીઓ આ ટૂલકીટ ખરીદી શકે છે, એમ કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
જીગર બારોટ
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed