ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ફેબ્રુઆરી 2022
શુક્રવાર
મુંબઈમાં જુહુમાં બંગલામાં ગેરકાયદે બાંધકામ હોવા સંદર્ભમાં મુંબઈ મનપાએ નોટિસ જાહેર કર્યા બાદ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ ઠાકરે પરિવાર પર વળતો પ્રહાર કર્યો છે. રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના માતોશ્રી બંગલામાં ગેરકાયદે બાંધકામ હોવાનો આરોપ નારાયણ રાણેએ કર્યો છે.
શનિવારે નારાયણ રાણેએ પત્રકાર પરિષદમાં બાંદ્રા માં આવેલા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના બંગલામાં ગેરકાયદે બાંધકામ હોવાને લઈને અનેક આરોપ કર્યા હતા. નારાયણ રાણેએ પત્રકાર પરિષદમાં એવો આરોપ કર્યો હતો કે માતોશ્રી-એક અને માતોશ્રી બેનું નિર્માણ કર્યું ત્યારે અમે કંઈ કહ્યું? ભાજપ-શિવસેના સત્તામાં હતી ત્યારે માતોશ્રી પરના અનધિકૃત બાંધકામોને પૈસા આપીને નિયમિત કરવામાં આવ્યા હતા. મારી પાસે બંને માતોશ્રી બંગલાના પ્લાન છે, પણ હું ક્યારેય કોઈના ઘરની વાત નથી કરતો. પરંતુ, મારા જુહુના બંગલા સામે રાજકીય બદલો લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રાણેએ પત્રકાર પરિષદમાં એવો દાવો પણ કર્યો હતો કે બાળાસાહેબ ઠાકરેએ મરાઠી માણસ માટે શિવસેનાની રચના કરી હતી. પરંતુ હવે શિવસેનાના પક્ષ પ્રમુખ જ મરાઠી માણસની ફિકર નથી. મરાઠી માણૂસ વિરુદ્ધ થઈ ગયા છે.
દિશા સાલિયનની હત્યાને લઈને નારાયણ રાણેનો સનસનાટી ભર્યો આરોપઃ હત્યા અને બળાત્કાર પાછળ મંત્રી હોવાનો દાવો. જાણો વિગત
પાલિકાએ નારાયણ રાણેને જુહુના બંગલાને લઈને નોટિસ મોકલી છે. આ પૃષ્ઠભૂમિમાં નારાયણ રાણેએ પત્રકાર પરિષદમાં ખુલાસો કર્યો હતો કે "હું 17 સપ્ટેમ્બર, 2009ના રોજ આ ઘરમાં રહેવા આવ્યો હતો." આ ઇમારતનું નિર્માણ જાણીતા આર્કિટેક્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જે તે સમયે મહાનગરપાલિકા દ્વારા બિલ્ડીંગને ઓક્યુપેશન અને પઝેશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. ઘર ખરીદતી વખતે મેં તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરી હતી. 2009થી મકાનમાં એક ઇંચ પણ નવું બાંધકામ થયું નથી. આ ઘરમાં અમે આઠ લોકો રહીએ છીએ. અહીં કોઈ હોટલ કે વ્યવસાય નથી. આ 100% રહેણાંક ઇમારતો છે.
રાણેએ પત્રકાર પરિષદમાં એવા આક્ષેપ પણ કર્યા હતા કે શિવસેનાના કેટલાક નેતાઓ અને માતોશ્રીમાં થઈ સતત કેટલાક લોકોને બિલ્ડિંગ સામે ફરિયાદ કરવા માટે કહેવામાં આવે છે. આ બિલ્ડીંગમાં કોઈ અનધિકૃત બાંધકામ નથી તે અંગે પાલિકાએ અગાઉથી જ સંબંધિતોને જાણ કરી દીધી છે. નારાયણ રાણેએ આક્ષેપ કર્યો હતો કે આ બધું રાજકીય વેરથી શરૂ કરવામાં આવ્યું હતું.